ભરૂચ, ભરૂચમાં આકરી ગરમી વચ્ચે વધતો કોરોનાનો ગ્રાફ સાથે છેલ્લા ૩ થી ૪ દિવસથી તાપમાનનો પારો પણ ૪૨.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. સતત ગરમી બાદ દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા મંગળવારે ભરૂચ જિલ્લાના હવામાને પણ કરવટ બદલી હતી. ભરૂચ તાલુકાના નબીપુર, સિતપોણ, પારખેત અને આસપાસના વિસ્તારોમાં સાંજે આકાશમાં વાદળો ઘેરાવા સાથે તેજ પવનો ફૂંકાયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ક્ષણિક ઠંડક પ્રસરી ગઈ હતી.ભરૂચ તાલુકાના ૩ થી વધુ ગામો અને આસપાસના વિસ્તારોમાં કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. વાતાવરણમાં આવેલા બદલાવથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.

ભરૂચ મકતમપુર સ્થિત કૃષિ યુનિવર્સીટીના હવામાન વિભાગના ડો. નીરજ કુમારે જણાવ્યું હતું કે લો પ્રેશર સર્જાતા જિલ્લાના હવામાનમાં આજે પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત ઊંચા તાપમાન અને ગરમીનું પ્રમાણ વધતા દરિયા કાંઠે લો પ્રેશર સિસ્ટમ જનરેટ થતા આજે વાદળો ખેંચાઈ આવી તેજ પવનો સાથે માવઠું થયું હતું અને ક્યાંક ક્યાંક કરા પણ વરસ્યા છે.