રાજકોટ-

રાજકોટ મનપાનું શુક્રવારે જનરલ બોર્ડ મળ્યું હતું. જે દરમિયાન બોર્ડ શરૂ થાય તે પહેલાં જ કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સહિતના કોંગી કોર્પોરેરો હાથ પગમાં પાટા પિંડી બાંધીને આવ્યા હતા અને રોડ રસ્તા મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવતા સમગ્ર મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે પત્રકારોને માહિતી આપી હતી કે, લોકશાહીમાં વિપક્ષ હોવો જરૂરી છે. અમે પણ વિપક્ષને આવકારીએ છીએ પરંતુ કોંગી કોર્પોરેટરો દ્વારા જે રોડ રસ્તા મામલે રજૂઆત કરી તે મેં સાંભળી હતી અને મેં તેમને પાંચ વખત બોર્ડમાં બેસી જવા માટે સૂચના આપી હતી. છતાં વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પોતાનો વિરોધ શરૂ રાખવામાં આવ્યો હતો. જનરલ બોર્ડ બે મહિને એકવાર મળે છે તેમ પ્રશ્નોત્તરી પણ થાય છે. જે વિપક્ષ દ્વારા કરવા દેવામાં આવી નહોતી અને પોતાની મનમાની ચલાવામાં આવી હતી. જેને લઈને મેં માર્શલને આદેશ કર્યો હતો કે, તેમને બોર્ડમાંથી બહાર લઈ જાવ. વિરોધ એટલે હદે થયો હતો કે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. અને કોંગ્રેસના કોર્પોરેટરોએ બાંધેલી પટ્ટીઓને કાંઢી નાંખી હતી. બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મેયરે તમામ કોંગ્રેસના કોર્પોરેટરને માર્સલની મદદથી બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. મેયરે કોંગ્રેસના કોર્પોરેટરોને બહાર કાઢવાનો આદેશ આપતા પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ અપશબ્દો બોલ્યા હતા.