મુંબઇ-

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈમાં માત્ર ૧૬ વર્ષની ઉંમરની સગીરા સાથે એક જ રાતમાં ૩ અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ૨ આરોપીઓની તલાશ ચાલી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આ ઘટના ૩૧ મે અને ૧ જૂનની રાતની છે. ૧૬ વર્ષીય સગીરાના પરિવારજનો મલાડ વેસ્ટ થાણામાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. છોકરી સગીરા હોવાના કારણે પોલીસે તરત જ કિડનેપિંગનો કેસ નોંધીને તેની તલાશ શરૂ કરી દીધી હતી.

જાેકે બીજા દિવસે બપોરે છોકરી પોતાની જાતે જ ઘરે પાછી આવી ગઈ હતી. તે ખૂબ જ ડરેલી અને કમજાેર દેખાઈ રહી હતી. શરૂઆતમાં માતા-પિતાએ તેને તે ક્યાં હતી અને તેના સાથે શું બન્યું હતું તેવા સવાલ કર્યા ત્યારે તે ચૂપ રહી હતી. બાદમાં મહિલા પોલીસ અધિકારીઓની એક ટીમ તેના પાસે પહોંચી હતી. શરૂઆતમાં સગીરાએ કોઈ જવાબ નહોતા આપ્યા પરંતુ થોડા સમય બાદ તેણે બધું જ કહી દીધું જે સાંભળીને સૌ ચોંકી ઉઠ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક મિત્રો હતા અને તેમાંથી એક મિત્રએ બર્થડે પાર્ટી રાખી હતી. બધા મડ વિસ્તારની એક હોટેલની બહાર મળ્યા હતા અને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યાર બાદ કાર પર જ કેક રાખીને તેને કાપવામાં આવી હતી. પરંતુ તે સમયે ઈન્સ્ટાગ્રામના ૨ મિત્રોએ તેને કારની અંદર ખેંચી લીધી હતી અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્યાર બાદ તેને મલાડ વિસ્તારમાં આવેલા બીજા મિત્રના ઘરે છોડી દેવામાં આવી હતી. ત્યાં તેના મિત્રએ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ યુવતી ઘરે જવાના બદલે બીજા મિત્રના ઘરે પહોંચી ગઈ હતી જ્યાં ફરી તેના સાથે દુષ્કર્મ થયું હતું.

સગીરા સાથે રેપ અને ગેંગરેપ મામલે ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે તમામની ઉંમર ૧૮થી ૨૩ વર્ષ વચ્ચેની છે. પોલીસના કહેવા પ્રમાણે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમની ઓળખાણ થઈ હતી. પોલીસ અન્ય ૨ આરોપીઓને પણ શોધી રહી છે જે દુષ્કર્મમાં સામેલ નહોતા પરંતુ ત્યાં હાજર હતા.તમામ આરોપીઓની પોક્સો એક્ટની અનેક કલમો અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે તેમને કસ્ટડીમાં લઈને પુછપરછ શરૂ કરી છે.