અહિંયા ફરી એકવાર ખેલાયો ખુની ખેલ, યુવકની ચપ્પુના ઘા ઝીંકી સરાજાહેર હત્યા
29, જુલાઈ 2021

સુરત-

સુરતના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. બે મિત્રો સાથે દારૂ પીવા બેઠા હતા ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી થતા એક મિત્રએ બીજા મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત થયું છે. મરનાર વ્યક્તિએ મારનાર ઉપર હુમલો કરતા તે પણ ઘાયલ થયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હત્યા કરનાર મુખ્ય આરોપી અને તેનો મિત્ર માથાભારે હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. શહેરના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની ચપ્પના ઘા ઝીંકી સરાજાહેર હત્યા થઇ હતી. અંગત અદાવતનું વેર વાળવા બે માથાભારે આરોપીઓએ યુવકને ફોન કરી સ્થળ ઉપર બોલાવ્યો હતો. યુવકે મળવા માટે પહોંચતા જ ગળા અને માથાના ભાગે ચપ્પના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. યુવકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની વિગતે વાત કરીએ તો કતારગામના મગનનગરમાં રહેતા સંજય વાણિયાને પ્રભુનગરમાં રહેતા પ્રશાંત રાજપૂતે મળવા માટે બોલાવ્યો હતો. સંજય સીતારામ ચોક પહોંચતા જ તેની ઉપર પ્રશાંતે ચપ્પુથી હુમલો કરી દીધો હતો. પ્રશાંતે તેના માથાભારે મિત્ર સાથે મળીને સંજયને માથાના તથા ગળાના ભાગે ચપ્પના ઘા મારતા તે સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. આ દરમિયાન જીવ બચાવવા માટે સંજયે બૂમાબૂમ પણ કરી હતી. બૂમાબૂમ સાંભળી લોકો દોડી આવતા પ્રશાંત અને તેનો ટપોરી ભાઇબંધ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસને મેસેજ મળતા કતારગામ પોલીસ મથકનો કાફલો સ્થળ ઉપર ધસી ગયો હતો. જાેકે, યુવાન સારવાર મળે તે પહેલાં તેનું કરુણ મોત થતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં પ્રશાંત અને સંજય વચ્ચે કોઇ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જેની અદાવત રાખી વાતચીત કરવાને બહાને પ્રશાંતે સંજયને સ્થળ ઉપર બોલાવ્યો હતો. સંજય સ્થળ પર પહોંચતા જ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી પ્રશાંત રાજપૂત માથાભારે અને ટપોરી હોવાનું તેમજ તેની સામે અલગ અલગ પોલીસ મથકોમાં સાતથી આઠ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં તે પાસા હેઠળ જેલભેગો પણ થઇ ચૂક્યો છે. જ્યારે મૃતક સંજય સામે પ્રોહિબિશનના બે અને મારામારીનો એક ગુનો દાખલ હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે સરાજાહેર થયેલી હત્યાના ગુનામાં પોલીસે આરોપી પ્રશાંત રાજપૂત અને તેના મિત્રને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution