હોટેલ ન્યૂ રિલેક્ષ ઇનમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું : ત્રણની ધરપકડ
24, જુન 2021

વડોદરા : કોરોનાના કેસો ઘટતાં હળવા થયેલા નિયંત્રણો વચ્ચે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓએ પણ માઝા મુકી છે. શહેરમાં ઓનલાઈન રૂપિયા લીધા બાદ ચાલતા દેહવ્યાપારના સેક્સરેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે. ગૂગલ સાથે સર્ચ ઉપર તપાસ કરતાં જ વડોદરા ઈસ્કોર્ટ સર્વિસના નામે લલચામણી ઓફરો આપી યુવતીઓના અર્ધનગ્ન ફોટાઓ ઉપર ઉપનામ અને ભાવ લખીને માહિતી પીરસાતી હતી અને ઓનલાઈન રૂપિયા વેબસાઈટ ઉપર આપેલા ખાતામાં ટ્રાન્સફર થયા બાદ વોટ્‌સએપ નંબર ઉપર યુવતીઓના વધુ ફોટા અને હોટેલના રૂમ નંબર સાથેનું સરનામું અપાતું હતું.

શહેર પોલીસની એસઓજીની ટીમ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમની પ્રવૃત્તિઓ તેમજ ઓનલાઇન ઓપરેટ થતા હાઇપ્રોફાઇલ સેક્સરેકટ પર નજર રાખવામાં આવી રહી છે. તેવામાં વડોદરામાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ અંગેની એસઓજીને જાણ થતાં હોટેલ ન્યૂ રિલેક્ષ ઇનમાં દરોડો પાડી ત્રણ લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટને સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. ગૂગલ સર્ચમાં ઇસ્કોટ સર્વિસ ઇન વડોદરા સર્ચ કરતા સ્કોકા નામની સાઇટ બતાવવામાં આવતી હતી. જે સાઇટ પર ક્લિક કરતાંની સાથે જ એક વોટ્‌સઅપ નંબર આપવામાં આવતો હતો. જેની ઉપરથી ગ્રાહકને પસંદગી માટે જુદી-જુદી યુવતીઓના ફોટા મોકલામાં આવતા હતા તેમજ વોટ્‌સઅપના માધ્યમથી જ યુવતીનો સમય મુજબ ભાવ નક્કી કરવામાં આવતો હતો.

એક વખત વોટ્‌સઅપ પર જીલ નક્કી થતાં ગ્રાહકને હોટેલનું લોકેશન મોકલી આપવામાં આવતું હતું. આમ પોલીસે તમામ ખરાઇ કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક આવેલી હોટેલ ન્યૂ રીલેક્ષ ઇનમાં પહોંચી મેનેજરને મળતાં બુક કરેલા રૂમમાં પસંદ કરેલી યુવતીને મોકલવામાં આવતી હોવાની ખાતરી થતાંની સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. આમ, વડોદરા શહેરની હોટલમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે હોટલમાંથી રમેશ પુંજાભઆઇ ડાભી, પ્રવીણ અર્જુનસિંહ ગોહિલ અને દેવરાજ મુકેશ કાપડીની અટકાયત કરી હતી. હોટેલમાંથી તપાસ દરમિયાન પોલીસને મળી આવેલા કોન્ડોમ, મોબાઇલ ફોન મળી કુલ રૂા.૩૯,૭૦૦ સહિત, જ્યારે હોટલ રીલેક્ષ ઇનના કચરુ લાલજી પટેલ મળી ન આવતાં તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution