જયપુર 

રાજસ્થાનમાં આવકવેરા વિભાગે ઈતિહાસની સૌથી મોટી કરચોરી-બેનામી સંપતિનો ખુલાસો કર્યો છે. એક ઝવેરી તથા બે બિલ્ડર જુથ પર હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં 1750 કરોડના અનઅધિકૃત તથા બેનામી વ્યવહારોનો પર્દાફાશ થયો છે. એક સુરંગ પણ મળી હતી અને તેમાંથી 700 કરોડની સંપતિનું રહસ્ય ખુલ્યુ હતું.જયપુરમાં ચૌરડીયા ડેવલપર્સ ગ્રુપ, ગોકુલ કૃપા બિલ્ડર્સ તથા સિલ્વર આર્ટ ગ્રુપ પર રાજયના ઈતિહાસની સૌથી મોટી દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં પોણા બે હજાર કરોડના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો હતો જેને પગલે રાજયભરના વ્યાપાર-ઉદ્યોગકારોમાં સન્નાટો પ્રસરી ગયો છે.

આવકવેરા ખાતાના સૂત્રોના કહેવા પ્રમાણે પાંચેક દિવસથી 20 જેટલા સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમાંથી હજુ 11 સ્થળોઅ તપાસ ચાલુ છે. દરોડા કાર્યવાહી દરમ્યાન અબજો રૂપિયાના વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો-બિનહિસાબી રસીદો વગેરેનો ખુલાસો થયો છે.દરોડામાં ઝપટે ચડેલા વ્યાપાર ઉદ્યોગકારોના ધંધા તથા રહેણાંકના સ્થળોએ સીસીટીવી કેમેરા ફીટ કરાયેલા છે તે જપ્ત કરવામાં આવ્યા છે. 

આવકવેરા ખાતાની તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે ઝવેરી ગ્રુપ સિલ્વર આર્ટ એન્ટીક ચીજવસ્તુઓની વિદેશમાં નિકાસ કરે છે. મૂળકિંમત કરતા 10 કે અનેકગણી કિંમતે તે વેચે છે પરંતુ તેનો કોઈ હિસાબ કિતાબ નથી એટલું જ નહીં એક ભોયરૂ પણ મળી આવ્યું હતું. જયાંથી 700 કરોડની બિનહિસાબી-અઘોષિત સંપતિના રાઝ હતા. આ સિવાય ઝવેરીના વ્યવસાયિક સ્થળની તપાસ દરમ્યાન 525 કરોડની બિનહિસાબી સંપતિનો પર્દાફાશ થયો હતો. રીયલ એસ્ટેટ કંપનીઓ પરની દરોડા કાર્યવાહી દરમ્યાન 225 કરોડના ગેરકાયદે વ્યવહારોનો ખુલાસો થયો હતો.રાજસ્થાનના ઈતિહાસમાં આવકવેરા ખાતાની આ સૌથી મોટી રેડ ગણવામાં આવે છે.