પાંથાવાડા,તા.૨૭  

ગામડામાં આવી સરકારી પ્રાથમિક શાળાની કલ્પના કરવી સપના જોવા જેવું જ છે. સાંતરવાડા સરકારી પ્રાથમિક શાળા આવી જ શાળા છે. જ્યાં પ્રોજેકટર ઉપર હાઈટેક શિક્ષણ અપાતું હોય,જમવા માટે ઓપનએર ડાયનિંગ ટેબલ હોય,ઈન હાઉસ વેઈટીંગ મ્યુઝિયમ હોય,કોમ્પ્યુટર લેબ,ધોરણદીઠ વાલીઓનું કોન્ટેક ગૃપ પણ આવી શાળા હકીકતમાં છે. આ બધી જ સુવિધાઓ સાથે એવી અનેક વિશેષતાઓ છે જે ખાનગી શાળાને પણ પાછળ મુકી દે.એટલે જ આ શાળામાં ગરીબથી લઈ પૈસાદાર પરિવારોના બાળકો સાથે જ ભણે છે. વિસ્મય પમાડે તેવી વાત એ છે કે, સાંતરવાડા તથા આસપાસના ગામોની અનેક મહિલાઓ એવી છે કે, જેઓ બીજા ગામે પરણી છે પરંતુ, પોતાના બાળકોને સારું સાંતરવાડાની પ્રાથમિક શાળા સરકારી,પણ શિક્ષણની સુવિધામાં ખાનગીથી આગળ શિક્ષણ મળી રહે તે માટે તેઓને પોતાના પિયરમાં રાખે છે અને સાંતરવાડા સ્કૂલમાં જ ભણાવે છે. શાળામાં ૩૦ ટકા બાળકો એવા છે કે, જેઓ મોસાળમાં રહીને અહીં અભ્યાસ કરે છે અને તેથી જ શાળાને મામાની સ્કૂલ તરીકેનુ હુલામણુ નામ પણ મળ્યું છે. ડેવલોપમેન્ટ શાળાના આચાર્ય જીગ્નેશ ત્રિવેદી કહ્યું છે કે, સાતરવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો વાલીઓ ગ્રામજનો પણ શાળાના વિકાસમાં મદદરૂપ થાય છે.શિક્ષક ગણ પોતાના શુભ પ્રસંગે બાળકોનાં શિક્ષણમાં ઉપયોગમાં આવે તેવી ભેટ અર્પણ કરે છે. વાલીઓ પણ બાળકોનાં શાળા પ્રવેશ વખતે શાળામાં ઉપયોગી ભેટ આપતા હોય છે.ગ્રામજનો પણ શાળાના વિકાસ માટે આર્થિક સહકાર આપવા હંમેશા તત્પર હોય છે.સરકારી ગ્રાન્ટ અને બધાનાં સહકારથી અમારી શાળામાં તમામ સુવિધાઓ છે, આગામી સમયમાં શાળાના વર્ગખંડોને એરકન્ડીશન કરવાની પણ યોજના છે. અઠવાડીક પ્રવૃત્તિઓ શાળાનું મહત્વનું પાસુ છે. શાળામાં શિક્ષણ સાથે દરેક તહેવાર ,રમત ગમત,સરકારી કાર્યક્રમ, વ્યક્તિ વિશેષ, સ્વચ્છતા, ટેકનોલોજી,આરોગ્ય વિશે પ્રેકટીકલ વિચાર આપવામાં આવે છે.શાળાનાં શિક્ષક ઘનશ્યામભાઈ પ્રજાપતિ કહે છે કે અમારી અઠવાડિક પ્રવૃત્તિમાં બાળકોને જૂદા જૂદા કાર્યક્રમ કરી પ્રેક્ટિકલ વિચારધારા પર જોર આપીને જૂદી જૂદી સરકારી ઓફિસની મૂલાકાત, કરંટ ઈસ્યુ પર ક્વિઝ,કેટવોક ,વેશભૂષા, આનંદમેળા થાય તેવા કાર્યક્રમ કરીને બાળકોને ટેલેન્ટેડ બનાવવાનાં પ્રયાસ કરીએ છીએ.તેમાં સફળતા પણ મળે છે.