નવી દિલ્હી  

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માના ઓસ્ટ્રેલિયા જવા અંગે વિવિધ અટકળો તથા ચર્ચાઓ થઇ રહી હતી અને હવે આખરે મંગળવારે તેનો અંત આવી ગયો હતો. રોહિત મંગળવારે સવારે ઓસ્ટ્રેલિયા રવાના થયો હતો અને તે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમવાનો લક્ષ્યાંક રાખી રહ્યો છે. રોહિત વાયા દુબઇ થઇ ઓસ્ટ્રેલિયા પહોંચશે અને તે ક્વોરન્ટાઇનના સમયમાં પોતાની ફિટનેસ ઉપર કામ કરશે. યુએઇ ખાતે રમાયેલી આઇપીએલની ૧૩મી સિઝન દરમિયાન રોહિત ઇજાગ્રસ્ત થયો હતો અને તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. ત્યારબાદ ઇજાની સ્થિતિ અંગે જાણકારી મેળવ્યા બાદ તેનો ટેસ્ટ સિરીઝ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

રોહિતને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન પ્રોગ્રામ માટે મોકલવામાં આવ્યો હતો. ગયા શુક્રવારે એનસીએના ફિઝિયોએ રોહિતને ઓલ ક્લિયર ર્સિટફિકેટ આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇએ શનિવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે રોહિત ઓસ્ટ્રેલિયા માટે મેડિકલ રીતે ફિટ છે અને તેણે ત્યાં ક્વોરન્ટાઇનમાં પોતાની ફિટનેસ અંગે કામ કરવું પડશે. ક્વોરન્ટાઇનનો સમય પૂરો થયા બાદ બીસીસીઆઇની મેડિકલ ટીમ રોહિતની ફિટનેસ ચકાસશે અને ત્યારબાદ જ તેને ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમાડવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવાશે.