અંકલેશ્વર, અંકલેશ્વરમાં ફાગણ સુદ-પૂનમની સંધ્યાએ ઠેર ઠેર હોલિકાદહન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દૃવ્યોની આહુતિ આપીને પૂજન-અર્ચન કર્યું હતું અને વર્તમાન કોરોના મહામારીમાંથી વિશ્વ વહેલીતકે બહાર આવે અને લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગીમય રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે. દર વરસે આ પવિત્ર દિવસની સંધ્યાને ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે. પરંપરાગત મુજબ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓ તેમાં શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, હારડા, પતાસા સહિતના દૃવ્યોની આહુતિ આપીને પૂજન-અર્ચન કરે છે. આ ઉપરાંત જળથી અર્ધ્ય આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી.જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીની અલકાપુરી સોસાયટીના રહીશોએ છાણા અને શ્રીફળની છાલમાંથી હોળી તૈયાર કરી હતી. પર્યાવરણની જાગૃતિ પ્રત્યે સોસાયટીના રહીશોએ પોતાનું યોગદાન આપીને અન્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ સોસાયટીના રહીશોએ માસ્ક પહેરીને હોલિકા પૂજન કર્યું હતું.