મુંબઈ-

પોતાના મહામૂલા કાજુના પાકને એક જ રાતમાં તબાહ કરી નાંખનારા માતેલા જંગલી હાથીઓના ઝૂંડને કેવી રીતે કાબુમાં લઈ શકાય તેની ચાવી આખરે મહારાષ્ટ્રના ખેડૂતને મળી ગઈ છે, અને આ ચાવી છે નાનકડી મધમાખી.

આ ખેડૂતે શોધી કાઢ્યું છે કે, કાજુ જેવા મહામૂલા પાકની વાવણી કરેલા ખેતરોની સરહદે મધમાખીઓ બણબણતી હોય એવા મધપૂડાના સ્ટેન્ડની વાડ ઊભી કરી દેવાય તો આવા મદમસ્ત ગજરાજ તેનાથી દૂર ભાગે છે. કર્ણાટક સરહદના ડોડામાર્ગ સાવંતવાડી ખાતેના હાથીઓના અભયારણ્યથી ગમે ત્યારે સિંધુદૂર્ગ વિસ્તારમાં 200 હેક્ટર જેટલા ખેડૂતોના ખેતીવાડીના વિસ્તારમાં ઘૂસી આવતા અને વિનાશ વેરતા હાથીઓને કાબુમાં લેવાનું આવી શોધથી શક્ય બનતાં સેંકડો ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. આવા હાથીઓના ટોળે ટોળા ધસી આવતા હતા અને રાતોરાત ખેડૂતોની મહિનાઓની મહેનત પર મિનિટોમાં પાણી ફેરવીને ચાલ્યા જતા હતા. ખેડૂતોએ આવા હાથીઓના હુમલાને ટાળવા માટે અગાઉ અનેક પ્રકારના નુસખાઓ પણ અજમાવ્યા હતા જેમાં, મોટે મોટેથી હાકોડા પાડવા, ડ્રમ વગાડવા, ફટાકડા ફોડવા , મરચાં લગાડેલા દોરડાં બાંધવા અને ત્યાં સુધી કે ક્યારેક તો તેઓ તેમના પર સળગતા અંગારા ફેંકવા સુધી મજબૂર થઈ જતા હતા પણ તેમાં તેમને ક્યારેય સફળતા નહોતી મળી. 

પરંતુ એશિયાઈ હાથીઓના અભયારણ્ય એવા આ વિસ્તારમાં હાથીઓને ઊભા લસલસતા પાકથી દૂર રાખવા માટેનો દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો આ નુસખો ખૂબ ઉપયોગી છે, જેમાં વળી કુદરતી કીટકો એટલે કે મધમાખીઓ દ્વારા પાંખો ફફડાવાય છે અને તેમની વાસથી હાથીમામા દૂર ભાગે છે. વળી હાથીઓને ભગાડવાના આ નુસખા દ્વારા ખેડૂતો જે મધમાખીઓના ધાતુના સ્ટેન્ડ ખેતરોના સીમાડાઓ પર ઊભા કરે છે, તેનાથી તેમના ખેતરમાં ફૂલોની પરાગનું વિતરણ જેને વિજ્ઞાનની ભાષામાં પરાગનયન (અંગ્રેજીમાં પોલીનેશન) કહે છે તે સુધરી જતાં પાકમાં 30 ટકા સુધીનો સુધારો નોંધાયો છે એટલું જ નહીં પણ મધપૂડાની આવી વાડ કરવા જતાં તેમને મધ અને મધપૂડાના મીણમાંથી નવી અણધારી આવક મળી છે એ અલગ. આમ, આ ખેડૂતો ઓર્ગેનિક મધ અને મધપૂડાના મીણનો પણ વેપાર કરવા માંડ્યા છે.

કાજુની ખેતી કરનારા અને આ મોંઘેરી શોધ કરનારા ભેજાબાજ ખેડૂત નામે ધનેશ પરાશર પોતાની વીતક યાદ કરતાં કહે છે કે, એક દિવસ સવારે હું ખેતરે આવ્યો ત્યારે મેં જે ભયાનક દ્રશ્ય જોયું હતું, તે હું આજેય ભૂલ્યો નથી. મારા ખેતરમાં માંડ ફૂલ બેઠા હતા એવો કાજુનો મોંઘેરો પાક પૂરેપૂરો જમીનમાં રગદોળી નંખાયો હતો. છતાં મે હતાશ થઈને ખેતી છોડી નહોતી અને તેનો ઉપાય શોધવા પ્રયાસ કર્યો હતો. 2019 જ્યારે આ બાબતે મને ખબર પડી ત્યારે મેં પહેલા 30 મધપૂડા સ્ટેન્ડની વાડ બનાવીને શરૂઆત કરી હતી. ત્યારથી હાથીઓ તો ફરકતા જ નથી પણ હવે મને મધ અને મધપૂડાના મીણની વધારાની આવક પણ થવા માંડી છે.