ભૂખને સંતોષવાને માટે આ ખાસ ગરમાગરમ નાસ્તો છે. ડુંગળીની કચોરીનો પ્લાન કરી શકો છો. સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે. તીખી લીલી ચટણી, ગળી લાલ ચટણી અને દહીંની સાથે તેની મજા વધી જશે.

ડુંગળીની કચોરી ( પ્યાઝ કચોરી)

 સામગ્રી:

 પડ માટે:

બે કપ મેંદો,પા કપ ઘી પીગળેલું,મીઠું સ્વાદ અનુસાર.

મસાલા માટે:

બે કપ ડુંગળી સમારેલી,એક ટીસ્પૂન કલોંજી(કાળા તલ),બે ટીસ્પૂન વરિયાળી,બે નંગ તમાલપત્ર,દોઢ ટીસ્પૂન લીલા મરચાં સમારેલાં,બે ટીસ્પૂન ચણાનો લોટ,બે ટીસ્પૂન ધાણા પાવડર,બે ટીસ્પૂન લાલ મરચું પાવડર,એક ટીસ્પૂન ગરમ મસાલો,ત્રણ ટીસ્પૂન કોથમીર સમારેલી,બે ટીસ્પૂન તેલ,મીઠું સ્વાદ અનુસાર,તેલ તળવા માટે.

 રીત:

 સૌપ્રથમ પડ માટેની બધી જ સામગ્રી એક મોટા વાસણમાં બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર પૂરતું પાણી ઉમેરીને તેમાંથી નરમ કણક તૈયાર કરો. તૈયાર થયેલી કણકને પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી 12 સરખાં ભાગ કરીને તેને સુતરાઉ કપડાંથી ઢાંકીને મૂકો.

હવે પૂરણ માટેની તૈયારી કરો. તેના માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કલોંજી, વરિયાળી, તમાલપત્ર, લીલા મરચાં અને ડુંગળી નાંખીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ, ધાણા પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખીને બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. હવે તેમાં સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્સ કરો. હવે આ તબક્કે પૂરણમાંથી તમાલપત્ર કાઢીને એકબાજુ મૂકી દો. હવે તૈયાર થયેલા પૂરણના મિશ્રણમાંથી પણ બાર સરખાં ભાગના ગોળા વાળી લો.

હવે કચોરી બનાવવા માટે સૌપ્રથમ તૈયાર કરેલી કણકના જે લુઆ કર્યા છે તેમાંથી એક લુઓ લો. તેમાંથી જાડી પૂરી તૈયાર કરો. તૈયાર થયેલી પૂરીમાં એક પૂરણનો ગોળો મૂકી બરાબર સીલ કરીને બોલ બનાવી લો. હવે હથેળી અને આંગળીઓની મદદથી જ બોલમાંથી કચોરી તૈયાર કરો. આવી રીતે જ બધી જ કચોરી તૈયાર કરી લો.

આ દરમિયાન તેલ ગરમ કરવા માટે મૂકી દો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી કચોરીઓ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર કચોરીને પેપર નેપકિન પર થોડી સેકન્ડ માટે મૂક્યા બાદ ગરમા-ગરમ જ ચટણી સાથે સર્વ કરો.