આ તે કેવી મા ! 6 વર્ષની દિકરીને સાણસી વડે માર માર્યો
24, જુલાઈ 2021

સુરેન્દ્રનગર

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા. મા જેટલો પ્રેમ આ દુનિયામાં ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિ કરી શકે. અને મા હંમેશા પોતાના સંતાન પ્રત્યે દયાળુ જ હોય. પણ આજે સુરેન્દ્રનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માની મમતાને લાંછન લગાવ્યું છે. થાનગઢમાં એક માતાએ પોતાની દીકરી સાથે એવો ક્રૂર અત્યાચાર આચર્યો કે આજે ૬ વર્ષની બાળકી હોસ્પિટલના બિછાને આવી પડી છે.

સુરેન્દ્રનગરના થાનગઢની આ ઘટના છે. અહીં માતાએ પોતાની ૬ વર્ષની માસૂમ દીકરીને સાણસી વડે માર મારતી હતી. તેના શરીર પર જ નહીં પણ બાળકીને ગુપ્તાંગના ભાગે પણ સાણસી વડે માર મારવામાં આવતો હતો. એટલું જ નહીં, બાળકીને માતા દ્વારા ડામ પણ આપવામાં આવતો હતો. રમવાની ઉંમરે માતા ૬ વર્ષની બાળકી પાસે ઘરકામ પણ કરાવતી હતી.

ક્રૂર માતા દ્વારા બાળકી પર એક બાદ એક અત્યાચાર આચરવામાં આવતો હતો. માર, ઘરકામ બાદ પણ બાળકીને પૂરતું ખાવાનું પણ અપાતું ન હતું. બાળકીને જમવામાં ફક્ત રોટલાં સાથે પાણી આપવામાં આવતું હતું. અને અંતે માતાના આટલાં ક્રૂર અત્યાચાર બાદ ૬ વર્ષની બાળકી કેટલું સહન કરે. આખરે તેની તબિયત લથડી. તબિયત લથડતાં જ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાે કે બાળકીની હાલત ગંભીર જણાતાં તેને થાનગઢથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે.

એવું જાણવા મળી રહ્યું છે બાળકીના પિતાનું અગાઉ મોત થયું છે. અને બાળકી ઉપર આ ત્રાસ માતા જ નહીં પણ માસી દ્વારા પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. જાે કે આ ઘટના સામે આવતાં જ સૌ કોઈ અવાક રહી ગયા છે. એક માતા કેવી રીતે પોતાની બાળકી પર આટલો ક્રૂર અત્યાચાર કરી શકે તે લોકોને માનવામાં આવી રહ્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution