અમદાવાદઃ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે હજુ કેટલા દિવસ આ કડકડતી ઠંડી પડશે, તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિયાળાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં કાતિલ ઠંડી રહેશે. આગામી 48 કલાક સુધી ઠંડીનું જોર યથવાત રહેશે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના જિલ્લામાં બે દિવસ ઠંડીનું જોર રહેશે.

ગુજરાતરમાં અત્યારે શીત લહેર આકરી બની રહી છે. નલિયા 4 ડીગ્રી નીચું તાપમાન છે અને કડકડતી ઠંડી છે અને આ સાથે જ રાજ્યના સાત શહેરનું તાપમાન 10 ડીગ્રીથી ઓછું નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય રીતે અત્યારે જે તાપમાન હોવું જોઇએ એના કરતાં 3 ડીગ્રી ઓછી ઠંડી છે. શહેરમાં હજુ ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન 12 ડીગ્રીની આસપાસ રહેવાની વકી છે. ગુરુવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 9.9 ડીગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડીગ્રી ઓછું હતું. અમદાવાદમાં આખો દિવસ ઠંડો પવન ફૂંકાયો હતો. 4.4 ડીગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં બે દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આ‌વી છે.