લદ્દાખ-

અહીંના પેંગોંગ સરોવરના વિસ્તારમાંથી પોતાની સેનાને પાછી ખેંચી લેવામાં ચીને ઝડપ દાખવી છે.  ૪૮ કલાકના ટૂંકા સમમયાં જ ચીને ૨૦૦થી વધારે કદાવર ટેન્ક પેંગોંગના કાંઠેથી હટાવી લીધી હતી. એ ઉપરાંત ઉત્તર કાંઠે ખડકાયેલા સૈનિકોને પરત લઈ જવા માટે સંખ્યાબંધ લશ્કરી વાહનો તૈનાત કરી દીધા હતા. ભારત-ચીન વચ્ચે બુધવારે જ પેંગોગના ઉત્તર-દક્ષિણ કાંઠેથી સૈન્ય પરત ખેંચવા સમજુતી થઈ હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે હવે પોતાના સૈનિકો પાછા ખેંચવા બાબતે સક્રિયતા દાખવવામાં આવી છે.

યાદ રહે કે, ભારતનો ચીન સાથેનો વાસ્તવિક નિયંત્રણ રેખા પરનો વિવાદ કંઈ પેંગોંગ સરોવર પૂરતો જ મર્યાદિત નથી પણ આ ઉપરાંત ગોગરા-હોટ સ્પ્રીંગ, સહિતના ઘણા સ્થળો છે, જ્યાં ચીને સૈન્ય ખડકી દીધું છે. અગાઉ આ વિસ્તારો ખાલી રહેતા હતા. પેટ્રોલિંગ કરવાનું થાય તો બન્ને દેશનું સૈન્ય પેટ્રોલિંગ કરતું. પણ ત્યાં હવે તંગ સ્થિતિ છે. માટે એક વખત પેંગોંગના કાંઠેથી સૈન્ય હટી જાય પછી બીજા સ્થળોની વાટાઘાટો કરાશે. સૈન્યનના અંતરંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે પછીની કમાંડરના સ્તરની બેઠકમાં ભારત ચીન સામે આ મુદ્દાઓ ઉઠાવશે.

સાત દિવસમાં બંને દેશો અહીંના હંગામી બાંધકામો સહિત પોતાના સૈન્યને પાછું ખેંચી લેશે. આ મુદ્દે બન્ને દેશના લશ્કરી કમાન્ડરો અગાઉની માફક જ વાટાઘાટો કરતા રહેશે. ચીન માત્ર પેંગોંગના કાંઠેથી પોતાનું સૈન્ય હટાવી રહ્યું છે. લદ્દાખમાં જ દેપસાંગ, ઉત્તરાખંડ, હિમાચલ, અરૃણાચલ, સિક્કીમ વગેરે સરહદે તો ચીની સૈનિકોનો પહેરો છે જ. ક્યાંય પેંગોંગની જેમ જંગી લશ્કરી સરંજામ ખડકાયેલો નથી, પરંતુ ચીની ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે. માટે સૈન્ય વડા જનરલ નરવણે ચીનની મોહઝાળમાં ફસાયા વગર લશ્કરને પૂર્વોત્તર મોરચે સાબદું રહેવા સંદેશો પાઠવી દીધો છે. આમ પણ ભૂતકાળના અનુભવો જોતાં ચીનની દરેક ચાલને સતત નિહાળવી અને તેનાથી સાબદું રહેવાની જરૂર હોય જ છે.