અમદાવાદ-

તાઉતે વાવાઝોડાંના તોફાનની અસર અત્યારથી જ વર્તાઇ રહી છે. ત્યારે આ વાવાઝોડું આજ સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી પ્રબળ સંભાવના છે. જેને લઈને રાજ્યભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં બંદરો પર ભયસૂચિત સિગ્નલો લગાવવામાં આવ્યા છે. અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે અત્યંત ભયંકર પરિસ્થિતિ સૂચવે છે. અમરેલી જિલ્લાનો દરિયા કિનારો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરના ત્રણ બંદરો ઘોઘા,અલંગ,અને નવી બંદર ઉપર 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે જે લોકલ વોર્નિંગ સૂચવે છે. વેરાવળ બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ 4 નંબરનું સિગ્નલ લગાવાયું જ્યારે મોરબીના નવલખી બંદર અને જામનગરના તમામ બંદરો પર પણ 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ છે તેમજ નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગરમાં આશરે 3 મીટરથી ઉપરના મોજાં સાથે તાઉત્તેનું તોફાન આગળ વધે તેવી ચેતવણી આપી દેવાઈ છે. ભરૂચ, આણંદ સહિતના દક્ષિણના ભાગોમાં 2-3 મી. જ્યારે સુરત, નવસારી, વલસાડ ઉપર 1-2 મીટર તો સ્ટ્રોમ સમયે ગુજરાતના બાકીના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર 0.5 - 1 મી. મોજાં સાથે વાવાઝોડાની લપેટમાં આવે તેવી દહેશત છે. આઇએમડીના ડાયરેક્ટર જનરલએ માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ ઘાટ પરના તાઉતેના ખતરાને લઈ ગોવાનાં ડોપ્લર વેધર રડાર દ્વારા ચક્રવાતી સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. અમે સતત ચક્રવાતની ગતિવિધિને અપડેટ કરી રહ્યા છીએ. જેથી દરેક સુધી વાવાઝોડાની માહિતી પહોંચે અને શક્ય તેટલા તમામ પગલા આગોતરા ભરી નુકસાનીને ટાળી શકે.ગુજરાતના દરિયાકાંઠે 'તાઉ તે' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. 'તાઉ તે' વાવાઝોડું 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 180 કિમી હાલમાં દુર છે આ વાવાઝોડું. વાવાઝોડુ ટકરાશે ત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે તેની ઝડપ 185 કિમિ સુધી હોઈ શકે છે. છેલ્લા 6 કલાકથી આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહયું છે. હાલમાં સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ આપવામાં આવ્યા છે જેને લઈને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી , ખેડા, પાટણમાં ભારે વરસાદ રહેશે.