રાજકીય વગનો દુરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે મારા પર દબાણ કરાઈ રહ્યું છે
15, જુલાઈ 2021

રેશ્મા પટેલે કરેલા ખુલાસામાં એમ પણ જણાવ્યું છે કે, પતિ ભરતસિંહ સોલંકી રાજકારણના મોટા હોદ્દાનો દુરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. અમે અમારા પતિ સાથે કોઇ ગેરવર્તણૂક કરી નથી. અમે તેઓ સાથે પત્ની તરીકે રહેવા તૈયાર છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં પતિ અમોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ અમે કોઇના ઘરે આશ્રિત તરીકે રહીએ છે. ત્યાં પણ અમોને શાંતિથી રહેવા દેતા નથી અને અલગ-અલગ વ્યક્તિ પાસે ધમકીઓ આપવામાં આવી રહી છે.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂ.પૂ. પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી હતી કે, તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જાે આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.

તેમણે નોટિસમાં કહ્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તોપણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.

સોલંકીએ કહ્યું હતું કે મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ અંગે તેમણે સંમતિ આપી ન હતી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી, તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો તેથી મેં નોટિસ મોકલી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution