ભરૂચ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ જાેવા મળ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. હવે આ મુદ્દે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાં કયા મુદ્દે નારાજગી ચાલી રહી હતી તે રહસ્ય ઉજાગર કર્યું છે. ભાજપ પ્રત્યે નારાજગી મુદ્દે મનસુખ વસાવાએ આજે રહસ્ય ખોલતા ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. આજે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી કહ્યું કે મારે ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે નારાજગી ચાલી રહી હતી.

આ મુદ્દે મુખ્યમંત્રી અને ગણપત વસાવાને રજૂઆત કરી હતી. ત્યારબાદ કોઈ ઉકેલ ન આવતા રાજીનામું આપવાનો ર્નિણય કર્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજીનામા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સીએમે ઈકો સેન્સેટીવ ઝોન બાબતે તાત્કાલિક ર્નિણય કરી ઉકેલ લાવ્યા હતા. થોડા સમય પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો. એટલું જ નીં આગામી બજેટ સત્રમાં સાંસદ પદેથી પણ રાજીનામું આપવાની વાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર દ્વારા મોકલ્યો હતો. જેમાં તેમણે મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પત્રમાં લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ. તેવી પણ જાહેરાત કરી હતી.