ગાંધીનગર, એક સમયે કોંગેસનો સાથ છોડીને ભાજપમાં પ્રવેશનાર અલ્પેશ ઠાકોર જાહેર સભાઓમાં ગાજી ગાજીને કહેતા હતા કે હવે અલ્પેશ ઠાકોર લીલી પેનથી ફાઇલો પર સાઇન કરશે. પરંતુ ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પ્રજાએ અલ્પેશ ઠાકોરને લીલી તો ઠીક સાદી પેનથી સાઇન કરવાને લાયક પણ છોડ્યા ન હતા. વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા બાદ ભાજપ સરકારમાં કેબિનેટ પ્રધાન બનીને ફાઇલો પર લીલી પેનથી સાઇન કરવાના તેમના ઓરતા અધૂરા રહ્યા છે. એટલુ જ નહી તેમની સાથે કોગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અન્ય નેતાઓ પણ હવે તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યા છે.

તેવા સમયે કોગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એનસીપીના બોસ્કી, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સહિત બંધ બારણે અલ્પેશ ઠાકોર સાથે પણ મિટિંગ કરી છે. સૂત્રોનુ માનીયે તો જાે ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બને તો ફરીથી કોગ્રેસમાં પાછા આવવાની ઇચ્છા અલ્પેશે વ્યક્ત કરી છે. શક્તિસિંહે પ્રદેશ પ્રમુખ બનવાની અનિચ્છા દર્શાવતા હવે ફાઇનલ સ્પર્ધા અર્જુન મોઢવાડિયાને ભરતસિંહ વચ્ચે છે. ત્યારે ભરતસિંહ પ્રદેશ પ્રમુખ બને તો કોંગ્રેસ સાથે જાેડાવા ઘણા નેતાઓ તૈયાર છે. તાજેતરમાં જ ભરતસિંહ દિલ્હી યાત્રા કરી આવ્યા છે. મનાઇ રહ્યું છે કે અહેમદ પટેલના દુખદ અવસાન બાદ ગુજરાત કોંગેસ ભયંકર ફાયનાન્શિયલ ક્રાઇસિસમાંથી ગુજરી રહ્યું છે. જેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ દેખાઇ હતી. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભરતસિંહે દિલ્હીમાં પણ કેટલાક નેતા અને ઉદ્યોગપતિઓ સાથે હાથ મિલાવ્યા છે. આમ ભરતસિંહ સોલંકી સહેરો સજીને તૈયાર છે હવે જાેવાનું એ છે કે વરઘોડો કોનો નિકળે છે. એટલે કે પ્રદેશ પ્રમુખનો કળશ ફાઇનલી કોના માથે ઢોળાય છે.