જામનગર,ભાજપ દ્વારા જાહેર સ્થળોએ પાર્ટી સિમ્બોલ ચિતરાવ્યો છે, ત્યારે કોંગ્રેસે આ જ સિમ્બોલની સામે ગેસ-સિલિન્ડર ચીતરી ભાવવધારો મ્ત્નઁની દેન હોવાનો આક્ષેપ કરતો પ્રચાર શરૂ કર્યો છે. ભાજપના કમળ દોરેલા ચિત્રની બાજુમાં કાૅંગ્રેસે ૩૫૦ વાળા બાટલાના ૯૫૦ કરનાર તેમ લખ્યું હતું. કોંગ્રેસની આ નીતિને ભાજપે હીન કક્ષાની ગણાવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પ્રચારયુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પ્રચારયુદ્ધની ઝલક આજે જામનગર શહેરમાં પણ જાેવા મળી છે. શહેરના સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર ભાજપના ચૂંટણી પ્રતીક કમળના નિશાનની આજુબાજુ કોંગ્રેસી કાર્યકરોએ ગેસ-સિલિન્ડરનાં ચિત્ર દોરીને મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો છે. એક તરફ, ભાજપ તેના પ્રચાર કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં દીવાલો પર કમળનાં નિશાન ચિતરાવી રહી છે તો બીજી તરફ આ નિશાનની બાજુમાં જ ગેસના બાટલાના અસહ્ય ભાવવધારાને ઉજાગર કરતાં ચિત્ર ચિપકાવવાના કોંગ્રેસે શરૂ કરતાં વાતાવરણમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ આ ચિત્ર કોંગ્રેસી કાર્યકરોએ લગાવ્યા હોવાનું સ્વીકારી જણાવ્યું કે મોંઘવારીથી ત્રસ્ત પ્રજાનું દર્દ દર્શાવવા કોંગ્રેસે પ્રયાસ કર્યો છે. જામનગર શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરાએ કોંગ્રેસના આ કૃત્યને નિમ્નકક્ષાની માનસિકતા અને રાજનીતિ દર્શાવી છે. તેમણે કહ્યું હતું કે ભાજપે જાે આ પ્રકારનો પ્રચાર કરવો હોય તો એ ઉજ્જવલા યોજનાનો જાેરશોરથી પ્રચાર કરી શકે છે, કેમ કે મોદી સરકારની આ યોજનાએ દેશની કરોડો મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુકિત અપાવી છે અને ગંભીર બીમારીઓથી બચાવી છે.