અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટ તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આવેલી નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત કરવા માટે રાજ્યના કુલ સાત બાર એસોસિએશનો દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સૂચક ચીમકી આપવામાં આવી છે કે તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ 11મી ફેબુ્રઆરીના રોજ કોર્ટ સંકુલમાં પ્રવેશી ગાંધીચીંધ્યામાર્ગે ધરણાં કરશે.

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન, અમદાવાદ સિટી સિવિલ બાર, અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન, અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિએશન, સુરત બાર એસોસિએશન, બરોડા બાર એસોસિએશન અને રાજકોટ બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ વિક્રમ નાથને લખવામાં આવેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના કારણે 24મી માર્ચથી રાજ્યભરની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી ઠપ થઇ છે. હજુ પણ હાઇકોર્ટ તેમજ ચારેય મોટાં શહેરોની કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે.

રાજ્ય સરકારે અત્યારે મહામારી પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો છે. જેના કારણે સિનેમા હોલ, શાળાઓ, જીમ, સ્વીમિંગ પુલ સહિતની જગ્યાઓ અને પ્રવૃત્તિઓને પુન: શરૂ થઇ છે, પરંતુ આ કોર્ટો શરૂ ન થવાના કારણે વકીલોનો એક બહોળો વર્ગ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.જે બાબત હાઇકોર્ટના વહીવટી તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવી નથી. જેથી એસોસિએશનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે કોર્ટો શરૂ કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો વકીલો નાછૂટકે 11મી ફેબુ્રઆરીએ કોર્ટ સંકુલમાં પ્રવેશી શાંતિપૂર્ણ રીતે ધરણાં કરશે.