નવસારી-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ તમામ પક્ષ પ્રચારમાં લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પ્રચાર કરવા માટે ગુજરાત આવ્યા છે. સ્મૃતિ ઇરાનીએ નવસારીના વાંસદામાં રેલીને સંબોધી હતી. સ્મૃતિ ઇરાનીએ આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેક્યો હતો.

સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીએ આસામમાં ગુજરાતીઓના અપમાનને લઇને પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે, “તાજેતરમાં રાહુલ ગાંધીએ આસામમાં પોતાના પ્રવાસમાં કહ્યુ કે, ગુજરાતમાં ચા વેચનારા નાનામાં નાના વેપારીઓના ખિસ્સામાં તે પૈસા કાઢી લેશે, હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તાકાત હોય તો ગુજરાતને અજમાવી લો અને તાકાત છે તો ગુજરાતમાં ચૂંટણી લડીને બતાવો, ચાની ચા અને પાણીનું પાણી થઇ જશે. રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના કાર્યકર્તાઓ શહેરના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા અને “રાહુલ ગાંધી માફી માંગે”ના સુત્રોચાર કર્યા હતા. આટલું જ નહીં, ભાજપના કાર્યકર્તાઓએ અહીં પોસ્ટરો પણ સળગાવ્યા હતા.