કારચાલક મહિલાએ આઈકાર્ડ માંગ્યુ તો કાર જ ટો કરાવી દીધી
23, નવેમ્બર 2021

રાજકોટ રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર બનેલો એક બનાવ સમગ્ર શહેરમા ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટમાં એક મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલનું આઈકાર્ડ માંગ્યો તો તે ગુસ્સો થઈ ગયો હતો. ખાખી વર્દીનો રૂઆબ છાંટીને મહિલાઓની કાર ટો કરાવી દીધી હતી. જેનાથી મહિલાઓ રસ્તા પર રડી પડી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલની હઠધર્મીને કારણે અમદાવાદની ચાર મહિલાઓના આત્મ સન્માન ઘવાયા હતા. કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક બનેલો આ બનાવ છે. ચાર મહિલાઓ કારમાં સવાર હતી. જેમને પોલીસે રોકી હતી. ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજાે માગવામાં આવ્યા હતા. પરંતુ મહિલાઓએ પોલીસ પાસેથી આઈ-કાર્ડ માંગ્યુ હતું. જેથી ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડે મહિલાઓની કાર ટો કરાવી હતી. પોલીસના આ બિન વ્યવહારૂ વલણનો ટોળાએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો. પોલીસ લાકડી લઈ પાછળ દોડતા લોકોએ મોબાઈલમાં વિડીયો કંડાર્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જાેકે નવાઈની વાત એ હતી કે દંડ ઉઘરાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના બાઇકમાં નંબર પ્લેટ પણ ન હતી. આમામલે રાજકોટના ઝોન-૧ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યુ કે, ટ્રાફિક પોલીસના વાયરલ વીડિયો મામલે તપાસ કરાશે. સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution