માંડવી, માંડવી મુખ્ય બજારમાં સ્થિત આરાધના ભવન ખાતે પૂજ્ય પન્યાસપ્રવસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ આદિ મુનિ ભગવંતોની પાવન પધરામણી થતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. પૂજ્યો ની પધરામણી પ્રસંગે તમામ શ્રાવક - શ્રાવિકાઓ ભારે હર્ષોલ્લાસ સાથે જાેડાયા હતા. ઘરે ઘરે ગાહુલીઓ દ્વારા પૂજ્યો ના અક્ષતથી વધામણા થયા હતા. આ ભવ્ય સ્વાગત યાત્રા માંડવીના રાજમાર્ગો પર ફરી હતી. સ્વાગત યાત્રા સંપન્ન થતાં પ્રવચન યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રવચન પ્રસાદી પાઠવતા પૂજ્ય સંત પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે જીવનના તમામ દુઃખ, દરિદ્ર અને દુર્ભાગ્યને દૂર કરવાની તાકાત પ્રભુભક્તિમાં છે. જ્યાં પ્રભુ છે ત્યાં પ્રભુતા છે. હૈયામાં ભગવાન હોય તો દુશ્મન પણ દોસ્ત બની જાય છે. પુરી દુનીયા પ્રભુના ભક્તિ ની આસપાસ આંટા મારે છે. પ્રભુ સાથે હોય તેના જીવનમાં દુઃખો અને દોષો એક ક્ષણવાર માટે પણ રહી શકતા નથી. જે બીજાને મિત્ર બનાવે છે તેની સર્વત્ર ચાહના વધે છે. કદી કોઈની નિંદા કરશો નહીં. કારણકે બીજાને પીડા અને દુઃખ આપનાર જીવનમાં ક્યારે પણ શાંતિ, સમાધિ અને સ્વચ્છતા પામી શકતા નથી. જેઓ બીજાને જીવન આપે છે તેઓ પોતાના જીવનમાં મંદીમાં પણ મસ્તી અનુભવે છે. પોતાની અંદર કોનું લોહી વહે છે તેની જાંચ કરો. પ્રભુના વંશનો અંશ આપડામાં હોય તો સમજી રાખજાે કે મુક્તિ નિશ્ચિત છે. તેમજ જીવનમાં ઘણી ઉપયોગી તેવી વાતો સંત શ્રી દ્વારા જણાવવામાં આવી હતી.