દિકરાની સંભાળ રાખવા આયા રાખતા હોય તો સંભાળજો, અહિંયા દિકરીને દલાલને વેચવાનો પ્લાન ઘડ્યો અને..
05, ઓગ્સ્ટ 2021

 અમદાવાદ-

શહેરમાં હરીફાઈ અને હાઈ પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ વચ્ચે દંપતીઓ નોકરી કરતા હોય છે અને તેમના છોકરાઓની સંભાળ રાખવા માટે આયાઓ રાખતા હોય છે. પરંતુ આયા રાખનાર લોકો માટે એક ચેતવણી ભર્યો કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં ચાંદખેડાના એક દંપતીએ તેમની 11 મહિનાની બાળકીની સંભાળ રાખવા માટે એક આયાને રાખી હતી. જો કે આયા આ દંપતીની 11 માસની દિકરીને મહારાષ્ટ્રમાં એક દલાલને વેચવાનો મોટો પ્લાન ઘડી રહી હતી. જો કે પશ્વિમ બંગાળ પોલીસને ઘટનાની જાણ થતા ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં ચાંદખેડા પોલીસે આયાને ઝડપીને બાળકીને બચાવી હતી. આયા સાથે કેટલા લોકો આ કામમાં સામેલ છે તે અંગે પોલીસે સઘન પુછપરછ હાથધરી છે.

શહેરના પોશ વિસ્તાર એવા ચાંદખેડામાં રહેતા રમેશભાઈ અને તેમની પત્ની રેખા (ઓળખ છુપાવવા માટે બંન્નેનું નામ બદલેલ છે)વર્કિંગ કપલ છે. તેમની એક દિકરી છે જે 11 મહિનાની છે. આ પરીવારમાં પતિ પત્ની અને એક બાળકી છે. જો કે રમેશભાઈ રાવજીભાઈ આઈટી કંપનીમાં તથા પત્ની રેખા પણ આઈટી પ્રોફેશનલ છે. જેથી 11 મહિનાની દિકરી સાથે પૂરતો સમય આપી શકતા ન હતા અને ધ્યાન આપી શકતાં નહોવાથી દિકરીને ઉછેર કરવા માટે તકલીફ પડતી હતી અને પતિ પત્ની વચ્ચે એક બે વાર આ બાબતે ઝઘડો થયો હતો. બાદમાં એક દિવસ રમેશભાઈ અને રેખાએ તેની દિકરીને સાચવવા માટે ઓનલાઈન આયા માટે સર્ચ કરતા હતા. જો કે એક એજન્સી દ્વારા આયાનું કામ કરતી એક બિંદુ નામની આયાનો સંપર્ક કરાયો હતો. બાદમાં રમેશભાઈ અને રેખાએ આ બિંદુને બાળકીની સંભાળ રાખવા માટેના દર મહિને રૂ.18 હજાર રૂપિયાના પગાર પર રાખી લીધી હતી. જો કે બિંદુ 11 મહિનાની દિકરીને સારી રીતે દેખરેખ કરતા હતી. જેથી દંપતી પોત પોતાના કામમાં મસ્ત થઈ ગયા હતા. જો કે બિંદુના મનમાં શું ચાલતું હતું તેની ના તો રમેશભાઈને જાણ હતી કે, ના તો રેખાને જાણ હતી. એક દિવસ રમેશભાઈ તેમની નોકરી પર હાજર હતા ત્યારે એક ફોન આવ્યો હતો અને જાણાવ્યું હતું કે પશ્નિમ બંગાળથી એક પોલીસ ઓફિસ બોલુ છુ તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે? જેથી રમેશે હા પાડી ત્યારે ઓફીસરે સમગ્ર દેશમાં હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે. બિંદુ તમારી દિકરીને વેચવા માગે છે. તેવી જાણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલ રમેશભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને બિંદુની પુછપરછ કરી હતી. જો કે બિંદુ કઈ જવાબ આપવા તૈયાર થઈ ન હતી અને ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બિંદુને ઝડપી પાડી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution