કોરોના વૈશ્વિક મહામારીમાં કાળઝાળ ગરમી બાદ સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. અને ચોમાસાની સાથે જ ઘણી બધી બીમારીઓ પણ આવતી હોઈ છે. જેમકે ઇન્ફેક્શન, કોલેરા, ટાઈફોડ, ડાયેરિયા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આપણે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું ખૂબ અગત્યનું બની જાય છે. કારણ કે ચોમાસાને કારણે આવતી બીમારી અને કોરોનાના લક્ષણો એકસમાન છે. કોરોનાના લક્ષણોમાં શરદી, ખાંસી, ગળામાં દુખવું અને શરરીરમાં ઝીણો તાવ રહેવો વગેરે મુખ્ય છે.

ચોમાસામાં બચવા માટે ડોક્ટર્સ જે કાળજીઓ રાખવાનું સૂચવે છે, એ બધું આપણા આયુર્વેદમાં પહેલેથી જ મોજૂદ છે. આપણા પૂર્વજોની અનેક પેઢીઓ આયુર્વેદને અનુસરીને જ સદીઓ સુધી તંદુરસ્તીનું જતન કરતી આવી છે. આયુર્વેદની સૌથી મોટી ખૂબી એ છે કે એમાં સુચવેલા ઉપચારોની તમામ સામગ્રી આપણા ઘરમાંથી મળી રહે છે. આથી બહારની કોઈ કૃત્રિમ દવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે હળદર, તુલસી, લસણ, આદુ, તજ, મરી, કોથમીર, લીમડો અને ત્રિફળા (આમળા, બહેડા, હરડે આ ત્રણ જડીબુટ્ટીઓનું મિશ્રણ) આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી ચોમાસામાં થતા રોગોને અટકાવી શકાય છે.

હળદર : હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જો તમે રોજ નિયમિતપણે હળદળનો ઉપયોગ કરો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે. ભોજનમાં અથવા તો રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પી શકો છો.

તુલસી : તુલસી બધા રોગનો ઉપાય છે તેમ કહી શકાય. આર્યુવેદમાં તુલસીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં અર્સોલિક એસિડ, યુજિનોલ, એપિજેનિન અને લ્યુટિન જેવા તત્વો હોય છે. તુલસીમાં રહેલું રોસમેરીનિક એસિડ એન્ટિ-માઈક્રોબાયલ તત્વ છે જે ઇન્ફેકશન અને શ્વસન તંત્રના રોગોથી બચાવે છે. શરદી અને કફ માટે રોજ ૧-૨ કપ તુલસીનો રસ અથવા ચા પીવી જોયે. તેથી રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો થાય છે. અને શરીરનું ટેમ્પરેચર જળવાઈ રહે છે.

લીમડો : કડવા લીમડામાં ઔષધીય ગુણ રહેલો છે. તે શરીરમાં રહેલા ઇન્ફેકશન સાથે લડવાની ક્ષમતામાં વધારો કરે છે અને સાથે જ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. લીમડાનાં થોડાક પાન ક્રશ કરી નરણા કોઠે નિયમિત પીવાથી શરીરને રાહત મળે છે.

લસણ : લસણમાં રહેલા 'એલિસીન' નામના તત્વમાં વાયરસ,બેક્ટેરિયા તથા ફૂગ સામે લડવાની ક્ષમતા હોય છે. તે શરીરમાં જામી ગયેલા કફને છૂટા પાડે છે અને ફેફસામાં ચોંટી ગયેલા કફને ખેંચી કાઢે છે. લસણ કેન્સર, ખાસ કરીને પેટનું કેન્સર અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આદુ : ચોમાસામાં નિયમિત આદુનું સેવન કરવાથી શરદી થતી નથી. આદુમાં સોજો ઘટાડવાનો કુદરતી ગુણ રહેલો છે. તેથી ગળાની તકલીફ હોય અને જો આદુનું સેવન કરીએ તો તમારી એ તકલીફ દૂર થાય છે.