ભલે કચરામાં પડ્યાં હોય પણ ફુલોની સુંદરતા ઘટતી નથી. કદાચ એવું બને કે, ફુલોની મહેંકથી કચરાની પણ કિંમત થવા માંડે. ખેર, પોલો મેદાનના મેઈન ગેટની પાસેના ઢગલામાં આજે કોઈ મોટી સંખ્યામાં સેવંતીના ફુલો ઠાલવી ગયું હતું. થોડાં સમય સુધી તો કોઈને ધ્યાન ન પડ્યું, પણ પછી મહેંકતા ફુલોનો ઢગલો જાેઈને ધીરેધીરે લોકો એની નજીક જવા લાગ્યા. ભલે કચરામાં પડ્યા હોય પણ ધીરેધીરે લોકો એને થેલીમાં ભરીને લઈ જતા જાેવા મળ્યાં. કચરામાં સેવંતીના ફુલો જાેઈને અમને આશ્ચર્ય થયું અને ખણખોદ કરી તો જાણવા મળ્યું કે, એક વેપારીએ મહારાષ્ટ્રથી સેવંતીના ફુલો મગાવ્યાં હતાં, પણ રસ્તામાં વરસાદને કારણે ફુલો બગડી ગયા હતા, જેથી એને કચરામાં નાખી દેવાયા હતા. વેપારી માટે ભલે એ ફુલો કચરો હતા પણ બીજા લોકોને તો એ એટલા આકર્ષતા હતા કે, લોકો એને લેવા માટે કચરાના ઢગલામાં પણ ઊભા રહ્યા હતા.