અત્યારે કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન થયા છે. એવામાં જો આપણે રોજિંદા જીવનમાં થોડું ઘણું પણ ધ્યાન રાખીએ તો બીમારીઓ અને દવાઓના ખર્ચાથી બચી શકીએ છીએ. તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી છે. જેથી આજે અમે તમને 12 એવા શ્રેષ્ઠ નિયમો જણાવીશું, જેનું નિયમિત પાલન કરવાથી તમે 100 વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકો છો. ચાલો જાણીએ.

નિરોગી રહેવા અનુસરો આ નિયમો :

 રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી લઈ પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અડધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ

ક્યાંય પણ બહાર જવાનું થાય ત્યારે હંમેશાં નાકમાં ગાયનું ઘી, વેસેલિન, સરસિયું તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન્ને નસકોરામાં લગાવવું જેથી બહારની દૂષિત હવા (પ્રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જાય નહીં.

દરરોજ સવારે, બપોરે, સાંજે જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા જોઈએ

સપ્તાહમાં એકવાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે મગ કે મગની દાળ, ખીચડી, ભાત, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકભાજીનાં સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવું. જેથી આંતરડાની સફાઈ થાય તથા પાચનક્રિયા વ્યવસ્થિત રહે છે

દહીં એકલું ક્યારેય ન ખાવું, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધાંમાંથી કોઈ પણ વસ્તુ મિક્સ કરીને ખાવું. રાત્રે દહીં ક્યારેય ન ખાવું

ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, ભાત, ઘઉંની થૂલી, જવના લોટની ભાખરી, ગાયનું ઘી, ચોખ્ખું જૂનું મધ, ગાયનું દૂધ વગેરેનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ

પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલું પાણી પીવું જોઈએ

હમેશાં ઋતુ મુજબનાં ફળો ખાવાં. ઋતુ વિરુદ્ધ ફળો ન ખાવાં. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો. ફળો સાથે દૂધ કદી પણ ન લેવું

ખોરાકમાં વધારે પડતા તીખા જેમ કે લાલ,લીલું મરચું, ખાટા જેમ કે લીંબુ અને આમલી, ખારા જેમ કે મીઠું-સોડા તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો. તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ

હમેશાં ગરમ ખોરાક ખાવો. એકવાર ઠંડી થયેલી વસ્તુ ગરમ કરીને કે વાસી ખોરાક ક્યારેય ન ખાવો, દરરોજ સાંજે 8 વાગ્યા પહેલાં જમી જ લેવું જોઈએ

જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ્ઠાન વગેરે લીધું હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા મગ, દાળ, ખીચડી, પુલાવ વગેરે લોટ વગરનું હળવું ભોજન લેવું

શરદી-ખાંસીમાં તાત્કાલિક દવા ન લેવી આદુ અને તુલસીનો રસ મધ સાથે મિક્સ કરીને લો. અજમા તથા લસણની પોટલી બનાવી સૂંઘો. ઠંડી તથા ગળી-ખાટી વસ્તુ ખોરાકમાં ન ખાવી.