નડિયાદ-

સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોક સુખાકારી માટે કરોડો રૂપિયાના વાહનો ફાળવવામાં આવે છે. ચકલાસી નગરપાલિકામાં સંસ્થાઓની બેદરકારીઓને કારણે વાહનોની દુર્દશા થઈ છે સરકાર દ્વારા નગરપાલિકાને 1 કરોડ થી વધુ કિંમતના વાહનો ફાળવ્યા છે, પરંતુ માત્ર ડ્રાઇવર નહી હોવાને કારણે આ તમામ વાહનો હાલ ભંગારમાં ફેરવાઈ ગયા છે.

ગુજરાત સરકાર દ્વારા ચકલાસી નગરપાલિકાને લોક સુખાકારી માટે એમ્બયુલન્સ, લોડર, જેસીબી, ફાયર, ટ્રેક્ટર, બુલેટ, ટ્રેક્ટર ટ્રોલી ફાળવવામાં આવ્યા છે. જેની કિંમત અંદાજીત એક કરોડ કરતા વધુ થવા જાય છે. નવાઈની વાત એ છે કે સરકારે ફાળવેલ વાહનોને ચલાવવા માટે છેલ્લા 9 વર્ષથી એક પણ ડ્રાઈવર ચકલાસી નગર પાલિકા પાસે નથી. જેના કારણે મોટાભાગના વાહનો ભંગારમાં ફેરવાઈ ગયા છે. શોભાના ગાંઠિયા સમાન પડી રહ્યા છે આ વાહનો નગરપાલિકાના પ્લોટમાં. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે એકવાર નગરપાલિકાને વાહનો આપ્યા બાદ તેનો ઉપયોગ થાય છે કે કેમ ? તે બાબતે ઉચ્ચ વિભાગ કોઈ માહિતી જ નહીં મેળવતુ હોય ? વાહન મેળવતી નગરપાલિકા પણ અમારી પાસે ડ્રાઇવર નથી, તમે બીજી જરૂરિયાતમંદ પાલિકાને વાહન આપો તેમ પણ જણાવતી નહીં હોય ? પ્રજાના ટેક્ષના પૈસે ખરીદાતી આ સાધન સામગ્રી આ પ્રકારે ભંગારમાં ફેરવાય તે કેટલું યોગ્ય? વાય.જે.ગણાત્રા ચીફ ઓફિસરે જણાવ્યુ, વાહનો બંધ અને ભંગાર હાલતમાં હોવાથી તેને રીપેર કરાવવા માટે અગાઉ ચાર વાર ટેન્ડર બહાર પાડ્યા છે. આવતા અઠવાડીયે વધુ એક ટેન્ડર બહાર પાડવાનું છે. આ વાહનો ચાલુ થાય ત્યારબાદ ડ્રાઇવરની વ્યવસ્થા કરી તેનો ઉપયોગ શરૂ કરીશું.