વડોદરા,તા.૧૬  

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાયને ઉંડેરાના અગ્રણી જશભાઈ મોતીભાઈ ચાવડાએ ઉંડેરામાં ટીડીઓના આદેશ વિરુદ્‌ધ ડ્રેનેજ લાઇનનું કામ હાથ ધરાયુ હોવાની લેખિતમાં માહિતી આપી છે.જેમાં તેઓએ નામ જોગ કેટલીક અગ્રણી વ્યક્તિઓનો ઉલ્લેખ કરીને બિલ્ડરોના લાભાર્થે શરુ કરાયેલ ગેરકાયદેસર ગટર લાઈનના જોડાણની કામગીરી તાકીદે અટકાવવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.તેમજપાલિકા કમિશ્નરને આવેદનપત્ર આપી કામગીરી રોકવા માગ કરાઈ છે.આ રજુઆતમાં જણાવ્યું છે કે વડોદરા પાલિકામાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.એના બીજા જ દિવસે ટીડીઓ દ્વારા દરેક ગામના તલાટી અને સરપંચને પત્ર લખીને ૨૦ જૂન પછીથી કોઈપણ કામને માટે પાલિકાની મંજૂરી જરૂરી છે.પરંતુ ઉંડેરાના પૂર્વ સરપંચ દીપીક્ષા પટેલ,પૂર્વ તાલુકા સદસ્ય તેજસ પટેલ,પૂર્વ ડેપ્યુટી સરપંચ દિનેશ સુથાર દ્વારા તાજેતરમાં ઉંડેરામાં ગટર લાઇનનું કામ શરુ કરવામાં આવ્યું છે.જે તદ્દન ગેરકાયદેસર છે.કેટલાક માલેતુજાર બિલ્ડરોને ફાયદો કરાવવાને માટે આ ગટરલાઇનનું ગેરકાયદેસર કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે.આ બાબતે ઉંડેરાના તલાટી અને કોર્પોરેશનના હોદ્દેદાર, વોર્ડ ઓફિસર અને ડ્રેનેજ લાઈનના ઇજનેરોને વારંવાર રજૂઆત કરી હતી.પરંતુ હજુ સુધી આ કામો રોકવાને માટે કોઈપણ પ્રકારના ન તો પગલાં લેવામાં આવ્યા છે.ન તો આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર ગટર લાઈનના કામો જેની શરૂઆત ૨૦ જૂન પછીથી કરવામાં આવી છે.એને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માગ કરી છે.

સુપરવાઈઝરે આખી રાત માથા પર ઉભા રહીને કામગીરી કરાવી

પાલિકા કમિશ્નર સમક્ષ રજૂઆત કરનાર જશભાઈ ચાવડાએ આ પ્રકારે ગેરકાયદેસર કામ કરનાર તમામની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી માગ કરી છે.તેમજ આ તમામે એક સંપ થઇ તમામ સરકારી સૂચનો અને પરિપત્રોને ધ્યાનમાં લીધા વિના પોતાના અંગત સ્વાર્થને માટે પાલિકાની જગ્યાઓને બાનમાં લીધાનો પણ આક્ષેપ કર્યો છે.આ કામગીરી એક સોસાયટીથી લઈને બીજી સોસાયટી સુધી કરવામાં આવ્યું હતું.ત્યારે આખી રાત ચાલેલી કામગીરીમાં સુપરવાઈઝર નિકુલ પઢીયાર દ્વારા માથા પર ઉભા રહીને કામગીરી કરાવ્યાનો આક્ષેપ પણ પાલિકા કમિશ્નર સમક્ષ કરાયેલ રજુઆતમાં કરાયો છે.