વડોદરા : ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ ચ મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીઓની જાહેરાત થતાની સાથેજ આચાર સંહિતા લાગુ પડતા વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર એક્શનમાં આવી ગયું છે. તેમજ વડોદરા શહેરના તમામ ઝોનમાં આવેલા મુખ્ય માર્ગો પર વિવિધ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ તબક્કે મુકવામાં આવેલા હોર્ડિંગ્સને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની વિવિધ ટુકડીઓ દ્વારા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી અંદાજે દોઢસો ઉપરાંત હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.

આ અંગે પાલિકાના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની આચાર સંહિતાઓનો અમલ શરુ થતા પાલિકા દ્વારા જાહેર સ્થળો અને માર્ગો પર લાગેલા હોર્ડિંગ્સ, બેનર્સ ઉતારવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવી હતી. જેમાં શહેરના જુદા જુદા સ્થળો ઉપર લાગેલા સરકારી ઉપરાંત રાજકીય અને બિન રાજકીય મળીને કુલ ૧૫૪ જેટલા બેનર્સ અને હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. પાલિકાની વિવિધ બે ટીમો દ્વારા આ કામગીરી કરાઈ હતી. જેમાં શહેરના અકોટા, દાંડિયાબજાર બ્રિજ, જેતલપુર રોડ, તાંદલજા, જે પી રોડ, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષર ચોક, વિશ્વામિત્રી બ્રિજ રોડ, જેતલપુર રોડ, વોર્ડ નંબર-૧૧, હરિનગર પાંચ રસ્તા, કોર્ટ રોડ, સ્ટેશન સર્કલ, કાલાઘોડા, સેફ્રોન ટાવર, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ ગેટ, કોઠી ચાર રસ્તા, ન્યાય મંદિર, માંડવી, પાણીગેટ, ચોખંડી, લહેરીપુરા ગેટ, રાત્રી બજાર, અમિતનગર, માણેક પાર્ક સર્કલ, સરદાર એસ્ટેટ, ખોડિયાર નગર, ગધેડા માર્કેટ, કમલાનગર, બાપોદ જકાત નાકા, ઉમા સર્કલ, પરિવાર સર્કલ, વૃંદાવન સર્કલ, કલાદર્શન સહિતના શહેરના જુદા જુદા સ્થળોએ અને રસ્તા પર લાગેલા સરકારી ,રાજકીય અને બિનરાજકીય મળીને કુલ ૧૫૪ હોર્ડિંગ્સ, બેનર્સ,ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા. આ કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું.