અમદાવાદ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના એક ધારાસભ્યે કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખમાં વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે, ધારાસભ્ય તેના મળતિયા સાથે મળીને આ કામને અંજામ આપી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ હાઈકમાન્ડે ગુજરાત મોકલેલા એક ટોચના નેતાની પણ જાસૂસી કરવાનું કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. સાથે જ શહેરના કેટલાક નેતાઓ શરાબ અને શબાબની મહેફિલો યોજતાં હોવાનો દાવો કરાયો છે. કોંગ્રેસના કાર્યકરે આ સંદર્ભેની ફરિયાદ કરતો એક પત્ર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ અને ઓબ્ઝર્વર તામ્રધ્વજ સાહુને મોકલતાં રાજકીય ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે, શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે, આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ અમદાવાદ શહેરના કોંગ્રેસના એક ટોચના નેતા બાપુનગરના દારૂના વેપારીને ત્યાં શરાબ અને શબાબની મહેફિલ માણવા સમયાંતરે જતાં હોવાનો દાવો કરાયો છે. ધારાસભ્યનો મળતિયો એઆઈસીસીએ મોકલેલા એક નેતાની જાસૂસી કરતો હોવાનો પણ પત્રમાં દાવો કરાયો છે.

પત્રમા કહેવાયું છે કે, ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે. અમદાવાદ શહેરના એક નેતા શરાબ અને શબાબની મહેફિલ માણે છે, આ બાબતની જાણ ગુજરાત કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીને પણ છે. જેને ત્યાં મહેફિલ યોજાય છે ત્યાંના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે તો પણ મહેફિલ માણવા આવતાં એક ધારાસભ્ય, શહેરના એક નેતા વગેરેની માહિતી આસાનીથી મળી જાય તેમ છે. પત્રમાં દાવો કરાયો છે કે, પક્ષના કાર્યકરો બોગસ નેતાઓથી પરેશાન છે, જાે સાચા લોકોને ટિકિટ નહિ મળે અને આગેવાનો સામે પગલાં લેવામાં નહિ આવે તો કોંગ્રેસ પક્ષના વિરોધમાં એઆઈસીસીએ મોકલેલા ટોચના નેતાનું મ્હોં કાળું કરવાનો અને ગધેડા પર બેસાડીને જુલૂસ કાઢવા જેવા કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.