અમદાવાદ, અમરાઈવાડીના શંકરનગરમાં રહેતા ૨૧ વર્ષીય યુવકને અજાણ્યા શખ્સોએ લાકડી અને બોથડ પર્દાથ વડે ઢોર માર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યુ હતુ. આ અંગે અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે.અમરાઈવાડીના શંકરનગર સોસાયટીમાં લવકુશ ગોસ્વામી તેમની પત્ની, ત્રણ સાળા એક સાળી અને બાળકો સાથે રહે છે. લવકુશભાઈ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જ્યારે તેમનો નાનો સાળો ચંદન (ઉ.વ.૨૧) એ અમરાઈવાડી વિસ્તારમાં અલગ અલગ ગોડાઉનમાં ટાઈલ્સની ગાડી ખાલી કરવાનું કામ કરે છે.

શુક્રવારે રાત્રીના સમયે લવકુશભાઈ ઘરે આવ્યા ત્યારે ચંદનભાઈ ઘરે હાજર નહોવાથી તેમણે તેમની પત્નીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, ચંદન ટાઈલ્સની ગાડી ખાલી કરવા માટે ગયો છે. દરમિયાન  એક અજાણ્યા નંબર પર લવકુશભાઈને ફોન આવ્યો અને જણાવ્યુ હતુ કે, તમારો સાળો ચંદન ગૌસ્વામી રામરાજ્યનગર પાસે આવેલ કાનજીભાઈ દેસાઈના મકાનની બાજુમાં મુતરડી પાસે બેભાન હાલતમાં લોહીલુહાણ પડ્યો છે. જેથી લવકુશભાઈ તેમના બે સાળા સાથે તે જગ્યાએ પહોંચ્યા હતા અને ચંદનને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. ચંદનને કોઈ અજાણ્યા શખ્સોએ લાકડી અને બોથડ પર્દાથ વડે શરી પર ઢોર માર માર્યો હતો અને નાસી ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. બીજી બાજુ અમરાઈવાડી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ લવકુશભાઈની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સોના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી. બીજી બાજુ શનિવારે સવારે સારવાર દરમિયાન ચંદનનુ મોત નિપજ્યુ હતુ. જેથી અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથધરી છે.