જમ્મુ-કાશ્મીર-

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ તીવ્ર જણાય છે. બુધવારે દિલ્હીમાં સિમાંકન પંચ(delimitation commission)ની બેઠક મળી હતી. જેમાં 6 જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં સર્વપક્ષીય બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિશન અધ્યક્ષ રંજના દેસાઇ, સભ્ય અને મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા આ બેઠકમાં હાજર રહ્યા હતા. આયોગના ત્રીજા સભ્ય જમ્મુ-કાશ્મીરના રાજ્ય ચૂંટણી કમિશનર વર્ચુઅલ રીતે બેઠકમાં જોડાયા હતા.

જમ્મુ-કાશ્મીરને લઈને વડા પ્રધાનની સર્વપક્ષીય બેઠક બાદ સિમાંકન પંચની આ પહેલી બેઠક હતી. સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલ પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવવા અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં સીમાંકન પંચ માટે આગળનો માર્ગ પણ નક્કી કરવામાં આવ્યો હતો. આ સાથે આયોગ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો સાથે અલગથી વાત કરશે.

24 જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સર્વપક્ષીય બેઠક બાદ હવે સીમાંકન પંચ 8 જુલાઈએ જમ્મુની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ મળશે. સીમાંકન પંચ 6 જુલાઈથી 9 જુલાઇ સુધી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવશે. આ દરમિયાન રાજકીય પક્ષો અને લોકપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.

 ટૂંક સમયમાં યોજાઈ શકે છે ચૂંટણી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 24 જૂને મળેલી સર્વપક્ષીય બેઠકમાં તેમણે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તે માટે વહેલી તકે સીમાંકન પ્રક્રિયા કરાવવા પર ભાર મૂક્યો છે. મીટીંગ દરમિયાન આજ સુધીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રો કહે છે કે, કેન્દ્ર રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજવા માંગે છે. આને કારણે, સીમાંકનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. એક અંદાજ મુજબ અહીં 6 થી 9 મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે.