આણંદ : આણંદ જિલ્લામાં પશુ પાલન સાથે જાેડાયેલાં ખેડૂતોના સાડા છ લાખ પશુઓની આગવી ઓળખ ઊભી થશે. જિલ્લામાં પશુઓનો વાસ્તવિક ડેટા સંગ્રહ થશે, તબેલાઓની વિગત, શ્રેષ્ઠ પશુની વિગત, દૂધની ગુણવત્તા, દૂધ નિકાસ માટે પાત્રતા, દૂધનો ભાવ વધારે મળવો, વેચાણ કિંમતમાં વધારો વગેરે ફાયદા ભવિષ્યમાં મળવાની શક્યતાઓ છે.  

ઈ-ગોપાલા એપ દ્વારા જિલ્લાના પ્રત્યેક પશુનું તમામ વિગતો સાથેનું એક પ્રકારનું આધાર તૈયાર થશે. એ માટે આણંદ જિલ્લામાં ૧૫૬ ગામોમાં જિલ્લા પંચાયત આણંદના પશુપાલન નાયબ નિયામક ડો.સ્નેહલ પટેલના માર્ગદર્શનમાં ગામેગામ પશુપાલકોને ભારત સરકારની એપ ઈ-ગોપાલા મોબાઇલમાં ડાઉનલોડ કરવા એક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. અમૂલ ડેરી દ્વારા પણ આ દિશામાં કામગીરીનો પ્રારંભ કર્યો છે.

આ એપમાં પશુ અંગેની ઓળખ, આરોગ્ય ચકાસણી, જન્મ, સહિતની માહિતીનો સંગ્રહ તેમજ પશુઓ માટે તબીબી માર્ગ દર્શન અને યોજનાકીય માર્ગદર્શન પણ મળશે. પશુઓને ટેગ કડી પણ લગાવવામાં આવશે. તેનાં ભાગરૂપે પશુપાલકોના માલિકીના પશુઓ બારકોટેડ ઇયર ટેગ કડી લગાવવા અને તે માલિકના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે પણ જાેડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ટેગનું જાેડાણ ખાસ સોફ્ટવેર સાથે કરવામાં આવશે, જેનાંથી પશુઓના ડેટાની એન્ટ્રી કારવામાં આવશે, જેમાં પશુઓની રસીકરણની વિગત પણ હશે. આણંદ જિલ્લામાં નેશનલ એનિમલ ડીસીબી કાર્યક્રમ હેઠળ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગાય, ભેંસ, તેમજ અન્ય પશુઓને આધારકાર્ડ જેવી ઇયર ટેગ એટલે કે કાન ઉપર કડી લગાવવામાં આવશે. આ ટેગ માત્ર માલિકી ધરાવતાં પશુઓને લગાવવામાં આવશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમનો શુભારંભ વડાપ્રધાને મથુરા ખાતેથી કરાવ્યો હતો. ગુજરાતમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા પણ ગુજરાતના પશુપાલકોને પોતાના પશુઓનું સામૂહિક રસીકરણના માધ્યમથી પશુઓમાંથી ખરવા, મોવાસા અને બૃવોલોસિસ જેવાં રોગોને ભારતમાંથી નાબૂદ કરવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. પશુની ચોરી થાય, કુદરતી આપત્તિમાં મૃત્યુ થાય, સરકારી સહાય, આરોગ્ય માર્ગદર્શનમાં આ ઇયર ટેગ મહત્વની પૂરવાર થશે. આગામી ડિસેમ્બર સુધી પશુપાલકોને ઇ-ગોપાલા એપ અને ઇયર ટેગના ફાયદાઓ વિશે સમજણ અને જાગૃતિનો કાર્યક્રમ ચાલશે . ત્યાર બાદ આગામી ફ્રેબ્રુઆરીથી રસીકરણનો કાર્યક્રમ શરૂ થશે. આણંદ જિલ્લાના પશુપાલકોને પોતાના માલિકીના પશુઓને આ ઈ-ટેગ લગાવવા અને પોતાના મોબાઈલ ફોનમાં ઈ-ગોપાલા એપ ડાઉનલોડ કરવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.