ઢાકા-

બાંગ્લાદેશમાં બળાત્કારના આરોપીને ફાંસીની સજા થશે. બાંગ્લા દેશના પ્રધાન મંડળે આ અંગે સોમવારે એક પ્રસ્તાવને બહાલી આપી હતી .અગાઉ બાંગ્લાદેશમાં બળાત્કારીને વધુમાં વધુ જનમટીપની સજા થતી હતી. બળાત્કારના બનાવો વધતાં દેશભરમાં એની સામે વિરોધ શરૂ થયો હતો અને બળાત્કારીને વધુ કડક સજા કરવાની રાષ્ટ્રવ્યાપી માગણી કરાઇ હતી. 

બાંગ્લાદેશની સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ હામિદ ગમે તે ઘડીએ આ અંગે નવો વટહુકમ જાહેર કરશે. બાંગ્લા દેશના માનવ અધિકાર સંઘના એક રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં છેલ્લાં થોડાં વરસમાં બળાત્કારની ઘટનાઓ ખૂબ વધી ગઇ હતી. આ વરસે જાન્યુઆરીથી સપ્ટેંબર વચ્ચે એક હજાર બળાત્કાર થયા હતા. એમાં પાંચેક અપરાધો ગેંગરેપના હતા.

મહિલાઓ સામેના વધી રહેલા અપરાધોથી આમ આદમીના મનમાં ભારે ગુસ્સો હતો અને અવારનવાર જાહેર દેખાવો દ્વારા આ ગુસ્સો વ્યક્ત થતો રહ્યો હતો. એમાં તાજેતરની એક ઘટનાએ રાષ્ટ્રવ્યાપી રોષ પ્રગટાવ્યો હતો. સોશ્યલ મિડિયા પર રજૂ થયેલી એક વિડિયો ક્લીપમાં કેટલાક લોકો એક મહિલાને નગ્ન કરી રહ્યા હોવાનાં દ્રશ્યો રજૂ થયાં હતાં. આ કિસ્સામાં આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ મહિલા પર ગેંગરેપ કરી રહ્યા હતા.

આ વિડિયો ક્લીપ રજૂ થતાંજ મહિલાઓ અને વિદ્યાર્થીઓ સડકો પર ઊતરી આવ્યા હતા અને બળાત્કારીઓને મોતની સજા કરવાની માગણી કરી હતી. આ પ્રકારે દબાણ વધતાં સોમવારે બાંગ્લા દેશના રાષ્ટ્રીય પ્રધાન મંડળે રેપિસ્ટને ફાંસીની સજા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હવે રાષ્ટ્રપ્રમુખ આ અંગે વટહુકમ બહાર પાડશે.