ભરૂચમાં વીજપુરવઠો ખોરવાતાં કોરોનાગ્રસ્તના સગાંના જીવ અધ્ધર
17, મે 2021

ભરૂચ અરબી સમુદ્રમાં લો-ડિપ્રેસન સર્જાતા તૌકતે નામના વિશાળકાય વાવઝોડાની અસર ઉભી થઇ છે. ભરૂચ જિલ્લાભરમાં તેમજ દરિયા કિનારાના ગામડાઓમાં તૌકતે વાવઝોડાની પ્રાથમિક અસરના પગલે ગતરોજ ભર બપોરે આકાશમાં કાળા ડીમર જેવા વાદળો છવાઈ ગયા હતા. વાદળોની ગતિ સાથે ભારે પવન ફૂંકાયો હતો. પવનનું જાેર એટલું હતું કે ધુરની ઉંચી ડમરીઓ ઉડી હતી. એક તરફ ધૂળની ડમરીઓ સાથે આકાશમાંથી અમી છાંટણારૂપી વરસાદના છાંટા વરસતા વરસાદી માહોલ સર્જાયો હતો. વાવઝોડાના પગલે વિજકાપ થતા કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. કોઈ જગ્યાએ રોડ ઉપર વૃક્ષો ધરસાઇ થયા હતા તો કોઈના ઘરની છતના નળીયા, છાપરાં ઉડ્યા હતા. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ઘરમાં આઇસોલેશનમાં રહી સારવાર કરતા દર્દીઓમાં એક સમયે ચિંતાના વાદળો છવાયા હતા. ત્રણથી ચાર દિવસ વાવાઝોડાની અસર રહેવાની વાતો વહેતી થતાં દરિયા કાંઠા વિસ્તારમાં રહેતા અને ખાસ કરીને માછીમારી કરી જીવન જીવતા લોકોએ સાવચેતીના પગલાંના ભાગરૂપે નાવડીઓને સુરક્ષિત જગ્યાએ લંગારી દીધી છે અને પોતાની નાવડીને કોઈ નુકશાન ન થાય તે માટે બાજ નજર રાખી રહ્યા છે. આજથી તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકશે અને વાવઝોડાના પગલે જાેરદાર પવન ફૂંકવાની સાથે જ દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછલવાની શક્યતા રહેલી છે. અને દરિયાની સપાટી વધવાના કારણે દરિયાકિનારા પર પાણી આવવાના કારણે મીઠાના અગરોને પણ મોટું નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે, સાથે જ એન.ડી.આર.એફ.ની ૨૨ જવાનોની બટાલિયન ટીમ પણ આવી ગઈ છે. જાેવું રહ્યું કે કોરોનાકાળમાં તૌકતે વાવઝોડું લોકોને હજુ શુ નુક્શાન કરી જાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution