ભુજ,તા.૧૭

ભુજ શહેરમાં મુન્દ્રા રોડ ઉપર રોડને અડોઅડ દબાણ થવા લાગ્યા છે, જેથી છેલ્લા ૨ દિવસ દરમિયાન ૧૫ જેટલી બંધ કેબિનો ઉઠાવી લેવાઈ છે અને ૪૦ જેટલા ધંધાદારીઓને તેમના લારી ગલ્લા છેક અંદરના ભાગે ખસેડી લેવાયા છે, જેથી માર્ગ ખુલ્લો થઈ ગયો છે અને વાહનોને પાર્કિંગ માટે વિશાળ જગ્યા મળી ગઈ છે.

ફેબ્રુઆરીમાં જી-૨૦ સમીટને પગલે તમામ તંત્રો હરકતમાં આવી ગયા. જ્યાંથી કાફલો પસાર થવાની શક્યતા હોય એ તમામ ગામડાઓ અને શહેરને સ્વચ્છ સુંદર રાખવા ઉપરાંત દબાણો પણ હટાવાઈ રહ્યા છે, જેમાં ભુજ શહેરમાં ભાનુશાલી નગર સામે સરકારી કચેરીઓને ઢાંકી દેતા દબાણો થઈ ગયા છે. ત્યાં સુધી તંત્રની આંખે

ચડ્યા ન હતા.

પરંતુ, હવે જી-૨૦ સમીટને પગલે ભુજ નગરપાલિકાની દબાણ શાખા અને સેનિટેશન શાખાને સાથે રાખીને હટાવાયા છે. આર્મી કેમ્પ પાસે જિલ્લા ફાયર સ્ટેશન માટે જગ્યા મંગાઈ હતી અને દબાણ હટાવવા કહેવાયું હતું ત્યારે મામલતદારે નગરપાલિકાને ખો આપી દીધી હતી. હકીકતમાં એ દબાણો મામલતદાર, સિટી સર્વે સહિતની કચેરીઓએ હટાવવાના હોય છે.