ગીર-સોમનાથમાં લૂંટેરી દુલ્હન ‘ખેલ’ પાડે તે પહેલા જ ઝડપાઈ
25, જુન 2021

ગીર-સોમનાથ, દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. આ જ કારણે સૌરાષ્ટ્રના અનેક યુવકોનાં લગ્ન દાહોદ-ગોધરા બાજુ થઈ રહ્યા છે. જાેકે, આમાંથી મોટાભાગના કિસ્સામાં યુવતી થોડો સમય સાથે રહ્યા બાદ રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી જતી હોય છે. સૌરાષ્ટ્રમાં આજકાલ લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટેરી દુલ્હનને કિસ્સા વધી રહ્યા છે. આ માટે મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય તેવા યુવકોને શિકાર બનાવવામાં આવે છે. ગીર-સોમનાથ પંથકમાં વધુ એક આવો કિસ્સા સામે આવ્યો છે.

જાેકે, આ વખતે વર પક્ષના લોકોને શંકા પડી જતા લૂંટેરી દુલ્હન સહિતની ટોળકી પોલીસ પકડમાં આવી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ઉનાના નાળિયેરી મોલી ગામના રમેશભાઇ હરીભાઇ રાખોલિયાએ પોતાના પુત્ર હિતેષ (ઉ. ૩૦)ના લગ્ન કરવાના હોવાથી કાકડી મોલી ગામ ખાતે રહેતા વિનુભાઇ રાઠોડના કાને વાત નાખી હતી. જે બાદમાં તમામ લોકો કન્યા જાેવા માટે રાજકોટ ગયા હતા. અહીં સપના નામની એક યુવતી સાથે હિતેષની મુલાકાત થઈ હતી. હિતેષ અને સપનાએ એકબીજા સાથે વાતચીત કરી હતી અને વાત આગળ ચાલી હતી. જે બાદમાં સગાઈની વાત થઈ હતી. રાજકોટ મુલાકાત દરમિયાન બંને પક્ષ વચ્ચે લેવડદેવડની વાત થઈ હતી. જે બાદમાં હિતેશે સપનાને લગ્નની ખરીદી માટે રોકડા ૪૧ હજાર રૂપિયા આપ્યા હતા.

આ ઉપરાંત લગ્ન વખતે બે લાખ રૂપિયા અને દાગીના આપવાની વાત થઈ હતી. જે બાદમાં ૨૧ જૂને ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું. જાેકે, લગ્ન પહેલા જ લૂંટેરી દુલ્હન અને તેના કેટલાક મળતિયા ગાડી ભાડે કરીને ઉના પહોંચી ગયા હતા. જે બાદમાં તમામ લોકો વકીલ પાસે ગયા હતા. કન્યા તેમજ તેમના મળતિયા કોર્ટ લગ્ન માટે જરૂરી તમામ દસ્તાવેજ આપીને ચાલ્યા ગયા હતા. આ દરમિયાન વકીલને શંકા પડી હતી. તપાસ કરતા તમામ પુરાવા નકલી નીકળ્યા હતા. જે બાદમાં પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બીજી તરફ કન્યા પક્ષે ૨૧ના બદલે ૨૩ તારીખે આવવાની વાત કરી હતી. સાથે જ બે લાખ રૂપિયા રોકડા અને ઘરેણા તૈયાર રાખવાનું કહ્યું હતું. ૨૩ જૂને તમામ લોકો કોર્ટમાં આવી પહોંચતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે તમામની ધરપકડ કરી હતી. જે બાદમાં વરરાજાની ફરિયાદના આધારે લૂંટેરી દુલ્હન સહિત નવ લોકો સામે ગુનો નોંધાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution