અમદાવાદ-

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. આજે ભગવાનના મોસાળ એવા સરસપૂર ખાતે આજે ભગવાનના મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ભગવાનના મામેરાના દર્શન કરવા હજારો લોકોની ભીડ ઉમટી હતી. મોસાળ સરસપૂર તરફથી લીલા ને કેસરી રંગના અતિ મનમોહક ભગવાનના વાઘા અને ઘરેણાં તૈયાર કરવામાં આવ્યા છે.


ભગવાનના મોસાળ સરસપૂર ખાતે આજે ભગવાનનું મોસાળું પાથરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના મામેરા પાથરવામાં આવ્યા હતા. લીલા અને કેસરી કલરના વાઘા અને અતિ સુંદર ઘરેણાં ભગવાનના મોસાળા તરફથી તૈયાર કરવામાં આવ્યા છે. બહેન સુભદ્રા માટે શૃંગાર અને સાડી પણ લીલા કલરમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. મામેરાના યજમાન એવા મમતાબેન મહેશભાઈ ઠાકોર એ જનસત્તા લોકસત્તા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અમારો 50 વર્ષે નંબર લાગ્યો છે. અમને એટલો હરખ છે કે જાણે શબરીના ઘરે રામ પધાર્યા છે. અમારા ઘરે એક પ્રસંગ આવ્યો છે, વધુમાં તેમણે જણાવ્યુ હતું કે 3 દિવસ સુધી અમને વિશ્વાસ નહોતો થતો કે આ વર્ષે ભગવાનનું મોસાળું અમે કરવાના છીએ અમારો નંબર લાગ્યો છે. મારા સસરાએ ખૂબ જ રાહ જોયા બાદ આજે અમને આ અવસર મળ્યો છે.


ભગવાનના મોસાળમાં આજે હજારો ભક્તો ભગવાન ના મામેરામાં દર્શન કરવા માટે આવ્યા હતા. લાંબી લાઈનો ભગવાનના દર્શન માટે લાગી હતી. આજે સવારે ભગવાનને ફ્રૂટનો મનોરથ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનનું મોસાળું પાથરવામાં આવ્યું હતું. જેઠ સુદ પૂનમના દિવસે પોતાના મોસાળ ગયા છે. ત્યારથી મોસાળામાં ભગવાનને લાડ લડાવવામાં આવી રહ્યા છે. અલગ અલગ મનોરથો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે હજારો ભક્તો અહી મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે. અમાસના દિવસે ભગવાન નિજ મંદિર પરત ફરશે તેવો ભાવ કરવામાં આવશે.