ગોંડલમાં એમપીના શ્રમિકે બે માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધા
21, મે 2022

ગોંડલ, ગુજરાત ભલે વિકાસની હરફાળ ભરતું હોય છતાં આજે પણ અહીં અંધશ્રદ્ધા ધૂણે છે. ધૂપના ધુમાડામાં મશગૂલ રહે છે, ત્યારે અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મૂળ સ્ઁમાં રહેતા અને ગોંડલમાં મજૂરીકામ કરતા શ્રમિકે પોતાની ૨ માસની બીમાર બાળકીને દવાને બદલે ડામ દીધાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગુરુવારના રોજ ગોંડલથી બે માસની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેને પગલે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલના ગુંદાળા ચોકડી પાસે મૂળ મધ્યપ્રદેશના વતની એવો પરિવાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથી શ્રમિક પરિવાર દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવાએ દીકરીને સારું થાય એ માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હોવાનું સામે આવ્યું છે. જે બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે. ત્યારે આગામી દિવસોમાં વિજ્ઞાન જાથાની ટીમ દાહોદના કટવારા ગામે પહોંચી ભૂવા સામે કાર્યવાહી કરશે.

નોંધનીય છે કે આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે અને ડામ આપવાથી તેમનાં માંદાં બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રાચે છે, પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે, જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution