અમદાવાદ-

કોરોનાના નવા કેસોમાં જુલાઈ મહિનો પીક પર રહ્યો છે. જૂન મહિનાના અંતથી અત્યાર સુધી નવા કેસ નોંધાવાની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. આંકડાઓ મુજબ 30 જૂને કોરોનાના 620 કેસ નોંધાયા હતા જે 31 જુલાઈના રોજ લગભગ બમણા થઈને 1153 થયા હતા. જણાવી દઇએ કે રાજ્યમાં અત્યાર સુધી 30 જુલાઈએ સૌથી વધુ 1195 કેસ નોંધાવાનો રેકોર્ડ છે.

છેલ્લા 11 દિવસમાં રાજ્યમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 61,438 કેસ નોંધાયા છે. જેમાંથી 28,795 એટલે કે 46.8% એકલા જુલાઈ મહિનામાં જ નોંધાયા છે. એક દિવસમાં વધુ 23 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 2441 પર પહોંચ્યો છે.

જુલાઈમાં પણ સુરત અમદાવાદથી આગળ નીકળીને કોવિડ -19 દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત શહેર બન્યું છે. અમદાવાદના 5,406 સામે સુરતમાં 8,240 કેસ નોંધાયા છે. શુક્રવારના આંકડા મુજબ સુરતમાં 284 જ્યારે અમદાવાદમાં 176 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 26,517 જ્યારે મૃત્યુઆંક 1597 પર પહોંચ્યો છે. શુક્રવારે અમદાવાદમાં નોંધાયેલા 176 કેસમાંથી 140 શહેરના અને 36 ગ્રામીણ વિસ્તારના છે.

અમદાવાદ અને સુરત ઉપરાંત અન્ય જિલ્લામાં પણ પોઝિટિવ કેસોમાં ઉછાળો જાેવા મળ્યો હતો. 1 જુલાઈના રોજ રાજ્યના 675 કેસમાંથી સુરત અને અમદાવાદ સિવાય ૩૧ જિલ્લાઓનો હિસ્સો 259 એટલે કે આશરે 38% હતો. જ્યારે 31 જુલાઈના રોજ રાજ્યમાં નવા નોંધાયેલા 1153માથી 688 એટલે કે લગભગ 60% હિસ્સો હતો.

વડોદરા જે કેસોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ અને સુરત પછી ત્રીજા સ્થાને છે. ત્યાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જાેવા મળ્યો છે. આંકડા મુજબ 1 જુલાઈના રોજ વડોદરામાં 57 કેસ નોંધાયા હતા, જે 31મી જુલાઈએ વધીને 90 પર પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે વડોદરામાં છેલ્લા 8 દિવસથી કોરોનાના દરરોજ 90થી વધારે કેસ જાેવા નોંધાઈ રહ્યા છે.