અમદાવાદ-

રાજ્યમાં શિયાળા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી માવઠાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકી છે. 9મી તારીખથી કમોસમી વરસાદ ખેડુતોની ચિંતાનો વરસાદ બનીને વરસશે. હાલ ઘઉની ફૂલ સિઝન છે ત્યારે ઠારનો માર તો ઘઉં માટે સારો પણ આ માવઠું તૈયાર પાકને ભારે નુકશાન પહોચાડશે. હવામાન વિભાગના દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ  રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં નર્મદા, ડાંગ, દાહોદમાં વરસાદી માવઠું આવશે. ભાવનગર, નવસારી, તાપી સહીતના દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ તારાજી સર્જી શકે છે. આ ઉપરાંત બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તા 9 થી 11 જાન્યુઆરીએ રાજ્યમાં માવઠાની દહેશત છે. જ્યારે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, વલસાડ જિલ્લામાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. તથા અમુક વિસ્તારોમાં તો ધીમી ધારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.