22, જુન 2020
દહેરાદૂન,22
કોરોના મહામારીના કારણે આ વર્ષે અનેક ઉત્સવો પર પ્રતિબંધ લાગી ગયા છે, સંક્રમણ ન ફેલાય તે માટે સદીઓ જૂની રથયાત્રાની પરંપરા પણ આ વર્ષેે તૂટી છે ત્યારે આગામી વર્ષે હરિદ્વારમાં પ્રસ્તાવિત મહાકુંભ નક્કી સમયે યોજાશે, અલબત્ત ત્યારે મહાકુંભનું સ્વરુપ કેવું હશે ? તેનો નિર્ણય ફેબ્રુઆરી 2021માં કરવામાં આવશે, આ મુદ્દે રવિવારે મુખ્યમંત્રી આવાસમાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત અને અખાડા પરિષદના સંતો વચ્ચે મહાકુંભ 2021ને લઇને મહત્વની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અખાડા પરિષદનાં મહામંત્રી મહંત હરિગીરીજી મહારાજે જણાવ્યું હતું કે દરેક અખાડા અને સંતો સાથે વાતચીતના આધાર જ્યોતિષ ગણના અનુસાર જ મહાકુંભ મેળાનું આયોજન કરવા પર સહમતી સધાઈ છે. જો કે તેનું સ્વરુપ કેવું હશે, મેળો ક્યા સ્તરે આયોજિત થશે ? આ બધી બાબતોનો નિર્ણય સરકાર ફેબ્રુઆરી 2021માં તત્કાલીન (કોરોના મહામારી)ની પરિસ્થિતિને ધ્યાને લઇને નિર્ણય લેશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પરંપરાઓને ધ્યાને લઇને આગામી વર્ષે કુંભમેળાનું સમયસર આયોજન થશે. બેઠકમાં મહંત નારાયણગિરીજી, મહંત મહેશપુરીજી અને અન્ય પ્રતિનિધિઓ હાજર હતાં. ખરેખર તો કોરોનાને લઇને કુંભમેળાના આયોજનને લઇને શંકાની સ્થિતિ બની રહી હતી, પણ આ બેઠક બાદ હવે કુંભમેળાને લઇને સ્થિતિ સ્પષ્ટ બની છે.