પ્રાંતિજના જીવણપુરા ગામે પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરનારો પતિ પકડાયો
04, ઓગ્સ્ટ 2020

પ્રાંતિજ,તા.૩ 

પ્રાંતિજના ઘડીના પેટાપરા જીવણપુરામાં પતિએ પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવનાર આરોપી પતિને પ્રાંતિજ પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. ઘડીના પેટાપરા જીવણપુરામાં રહેતો અશોકજી અજમેલજી ચૌહાણ પોતાની પત્ની પર વહેમ રાખતો હતો. અશોકજી તેની પત્ની મિત્તલને ફોન કરે ત્યારે અવારનવાર ફોન વ્યસ્ત આવતો હોઇ તકરાર કરી તેની પત્ની સાથે બોલાચાલી કરી તેનુ ગળુ દબાવી ટૂંપો દઇ હત્યા કરી નાખી હતી.સમગ્ર ઘટનાને છૂપાવવા અશોકજીએ પત્નીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હોય તેવુ ઉભુ કર્યુ હતું અને પોતાના ઘરે સાડી વડે ધાબાની છતના આંકડા પર આત્મહત્યા કરી હોય તેવુ દ્રશ્ય ઉભું કર્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિયર પક્ષને થતાં પિતા ચંદુજી રૂમાલજી પરમાર રહે. પુંસરી, નવાનગર તલોદવાળાએ પોતાની દીકરીએ અચાનક ગળેફાંસો ખાઇને આત્મ હત્યા કરી લીધી હોય તે વાત ગળે ના ઉતરતા પ્રાંતિજ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી હતી.  

પ્રાંતિજ પીઆઇ પી.એલ.વાઘેલાએ તપાસ હાથ ધરતાં મૃતકના પતિ અશોકજી ચૌહાણની પૂછપરછ કરતાં આરોપી અશોકજી ભાગી પડયો હતો અને તેણે કહ્યું કે અવારનવાર ઝઘડા થતા ત્રાસી ગયો હતો અને ઘટનાના દિવસે મિત્તલનો ટેલીફોનક સંપર્ક કરતા તેનો ફોન વ્યસ્ત આવતો હોઇ તે બાબતે બોલાચાલી થઈ હતી અને તે દરમ્યાન ગળું ટૂંપો દઇ હત્યા કરી નાખી હતી અને સમગ્ર હકીકત છુપાવવા હત્યાને આત્મહત્યામાં ફેરવી દીધી હતી. પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ-૩૦૨ , ૪૯૮(ક) મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ હાથધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution