કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી ૨૫ મિનિટમાં ૪૭ કિમી દૂર પાર્સલ પહોંચાડાયું
29, મે 2022

કચ્છ, દેશમાં પ્રથમ વખત સૌથી મોટા અને સરહદી કચ્છ જિલ્લામાં ટપાલ વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડ્રોનનો ઉપયોગ ફોટોગ્રાફી માટે થતો હતો, પણ હવે એનો ઉપયોગ ટપાલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે થઈ રહ્યો છે. ડ્રોનથી ટપાલસેવાની શરૂઆત કરવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને ૨ કિલોનું પાર્સલ ફક્ત ૨૫ મિનિટમાં ૪૭ કિલોમીટર દૂર પહોંચ્યું હતું. ડ્રોન મારફત ટપાલસેવા પહોંચતી કરવાના ટ્રાયલ બેઝના આધારે સફળ પરીક્ષણ કરાયું હતું. સવારે ૯ઃ૧૧ કલાકે હબાયથી રવાના કરવામાં આવેલું પાર્સલ ૯ઃ૩૬ કલાકે ભચાઉ તાલુકાના નેર ગામે પહોંચ્યું હતું, જ્યાં પોસ્ટ વિભાગની બીજી ટીમ પણ હાજર હતી. ૨૫ મિનિટમાં હબાયથી નેર સુધીનું અંદાજિત ૪૭ કિલોમીટરનું અંતર કાપી ડ્રોન મારફત દવાઓનું પાર્સલ સફળ રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ બેઝની ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ડ્રોન ટપાલસેવા ચાલુ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉના જમાનામાં આધુનિક સેવાઓ ન હતી ત્યારે સંદેશા પહોંચાડવા કબૂતરનો ઉપયોગ થતો હતો, ડ્રોનથી પાર્સલ કે પત્ર પહોંચાડવાની આ હિલચાલ ગ્રામીણ લોકોને ખૂબ પસંદ આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution