ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ઠંડી વધી, લોકોને બેવડી ઋતુનો અનુભવ
04, જાન્યુઆરી 2021

અમદાવાદ-

હવામાન વિભાગ દ્વારા 2થી 4 જાન્યુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ આગાહીને આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કડકડતી ઠંડી સાથે વરસાદ ખબકતા લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે મોડીરાતે પંચમહાલ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. રવિવારે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને ભરુચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા ખેડૂતો તેમજ માર્કેટ યાર્ડના વેપારીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું હતું. હિમતનગરમાં ધુમ્મસ જેવું ધુંધળું વાતવરણ સર્જાયું છે. આ સાથે ભરૂચમાં જિલ્લાભરમાં બે દિવસથી વાદળછાયું વતાવરણ સર્જાયું છે. જિલ્લાભરમાં ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ વાદળછાયું વતાવરણ સર્જાયું છે. અમદાવાદમાં પણ ધુમ્મસ ભરેલુ વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. નવા વર્ષમાં જાન્યુઆરી 2021ની શરૂઆતમાં જ કેટલાક શહેરોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેવી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution