દાહોદ, તા.૧૧ 

કોરોના કાળમાં લોક ડાઉનના અમલની સાથે સાથે શાળાઓ બંધ થતાં શિક્ષણકાર્ય ઠપ્પ થઇ જવા પામ્યું હતું. ત્યારબાદ નવ માસ પછી આજે વાલીઓના સંમતિ પત્ર સાથે દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઇનના પૂરતા પાલન સાથે વર્ગોનો પુનઃ પ્રારંભ થયો હતો. પરંતુ આજે પ્રથમ દિવસ હોય શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. આજરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો શરૂ કરવા માટે કરેલ જાહેરાતના પગલે આજરોજ દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ થઈ હતી. શાળાઓ શરૂ કરતા પહેલા આ અંગેની જાણકારી તમામ વાલીઓને આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીની સુચના અન્વયે અને શાળાના મંડળની સુચના અને વ્યવસ્થાને જાને રાખી શાળાઓમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં પ્રવેશ દ્વાર પર વિદ્યાર્થીને સેનેટાઈઝ કરી શાળાના મુખ્ય પ્રવેશદ્વારમાં તેમનું થર્મલ ક્લીનીંગ કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળાના દરેક વર્ગ ખંડમાં ગઈકાલે જ તેને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. શાળામાં વિદ્યાર્થીઓ છ થી આઠ ફૂટના અંતરે બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શાળાના દરેક સેનેટાઈઝ બ્લોકમાં સેનેટાઈઝરની તથા હાથ ધોવા માટે સાબુની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજે દાહોદની એમ.વાય હાઇસ્કુલમાં ધોરણ ૧૦ના કુલ ૩૧૪ વિદ્યાર્થીઓ માંથી ૩૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે ધોરણ ૧૨ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના કુલ ૨૯૪ વિદ્યાર્થીઓ માંથી ૪૦ વિદ્યાર્થીઓ વાલીઓના સંમતિ પત્ર સાથે હાજર રહ્યા હતા.

શહેરા ઃ શહેરા સહિત તાલુકામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કોરીનાની મહામારી ને લઈને નવ મહિનાથી શિક્ષણ કાર્ય બંધ હતું. જ્યારે સોમવારના રોજ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ મા શૈક્ષણિક કાર્ય શરૂ થયેલ હતું. વિદ્યાર્થીઓ શાળાના સમય દરમિયાન આવી ગયા હતા. એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને જિલ્લા શિક્ષણ કચેરી ખાતેથી આવેલ શિક્ષણ નિરીક્ષક જીજ્ઞેશભાઈ પટેલ ,બી.આર.સી કલ્પેશ પરમાર તેમજ આ શાળા ના આચાર્ય વિપુલ પાઠક એ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શાળા મા પ્રવેશ આપ્યો હતો. જ્યારે શારદા મંદિર હાઇસ્કુલ ખાતે બી.જે.પટેલ અને શાળા પરીવાર એ વિર્ધાથીઓ ને માસ્ક અને ગુલાબનુ ફૂલ આપીને આવકાર આપ્યો હતો. તાલુકાની તમામ હાઈસ્કૂલો મા વિદ્યાર્થીઓને વાલીના સંમતિ પત્રક સાથે વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ૧૯,ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવી રહયુ હતુ. જાેકે અમુક હાઈસ્કૂલ મા વીર્ધાથીઓ ની પાકી હાજરી જાેવા મળી હતી. શાળાઓ કોરોનાની મહામારી વચ્ચે શરૂ થતા અમુક વાલીઓએ પોતાના સંતાનો પ્રથમ દિવસે મોકલ્યા ન હતા.

હાલોલ ઃ રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગે સોમવારે ૧૧ જાન્યુઆરીના રોજથી રાજ્યના તમામ જીલ્લાઓની શાળાઓમાં ધોરણ ૧૦ ને ધોરણ ૧૨ ના વિધ્યાર્થીઓને શિક્ષણ આપવા શાળાઓને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતાં, સોમવારના રોજ હાલોલ શહેરમાં આવેલ તમામ હાઈસ્કુલોના સંકુલોમાં વિધ્યાર્થીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. શાળા સંચાલકો દ્વારા સરકારની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવેલ હતું, શાળાઓના ધોરણ ૧૦ ને ધોરણ ૧૨ ના વર્ગ ખંડોને વિધ્યાર્થીઓના આવતા પહેલા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તેમજ એક વર્ગ ખંડની ક્ષમતા ૬૦ વિધ્યાર્થીઓની હોવા છતાં, હાલની કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી એક વર્ગ ખંડમાં અંદાજે ૨૦ થી ૨૫ વિધ્યાર્થીઓને બેસાડી ભણાવવામાં આવનાર હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ હતું. ધોરણ ૧૦ ને ૧૨ એ બોર્ડ હોવાથી શૈક્ષણિક વર્ષ પુરૂં થવાને આરે આયું હોવાથી, ને તેમનું વર્ષ બગડે નહી માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ધોરણ ૧૦ ને ૧૨ નું શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરાયું હતું.

મહીસાગર જિલ્‍લામાં ધોરણ ૧૦-૧૨ તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પુનઃ આરંભ

સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો ર્નિણય કર્યો હતો. આ ર્નિણયના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્‍લાની વિવિધ શાળાઓમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે લુણાવાડા શહેર સહિત જિલ્‍લાની શાળાઓમાં આશરે ૨૫૭૬૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરે છે, તે પૈકી આશરે ૬૮૭૭ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રથમ તબક્કે જ સંમતિ આપી હતી. શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ મહીસાગર જિલ્‍લાની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાઓની આસપાસ આવેલ મેડિકલ સુવિધાઓ, પ્રાઇમરી - કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વગેરેની તમામ વિગતો તેના કોન્ટેક્ટ પર્સન જેવી અન્ય જરૂરી માહિતી પણ શાળા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના મહામારીમાં ૧૦ મહિના ઘરે બેસીને શિક્ષણ મેળવી બાળકો દ્વારા જે તપસ્યા કરવામાં આવી છે તેને ઉત્કૃષ્ટ પરિણામમાં બદલવાનો સમય પાકી ગયો છે. શાળા સંચાલકો દ્વારા પણ સેનિટેશન, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીગ જેવા નિયમોનુ પાલન કરીને શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ કરવામાં આવ્‍યો છે.