રાજકોટમાં પદાધિકારીઓ-અધિકારીઓ માટે 47 લાખના ખર્ચે નવી 3 કાર ખરીદાશે
30, જુલાઈ 2021

રાજકોટ-

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના કામોને મંજૂરી આપી છે. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ માટે રૂ.૪૭ લાખના ખર્ચે નવી ૩ કાર લેવાનો ર્નિણય લેવાયો હતો. આ ખર્ચ બિનજરૂરી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસનાં મહિલા વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, હું તો બાઇકમાં પણ બેસીને પ્રજાના કામ કરી શકું, કામ કરવા કારની શું જરૂર છે.

આ મુદ્દે વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, શાસક પક્ષના નેતાની કાર ૧.૯૮ લાખ કિલોમીટર ચાલી હોવા છતાં નવી કારની ખરીદી કરશે. જ્યારે મારી કાર ૩.૧૮ લાખ કિલોમીટર ચાલી હોવા છતાં મને નવી કાર અપાય નથી. હાલ કોરોના મહામારીમાં લોકોના રૂપિયા ખોટી રીતે વ્યય ન કરવા જાેઈએ. મારે તો પ્રજાના કામ કરવા છે, હું તો બાઇકમાં પણ બેસીને લોકોના કામ કરી શકું છું. અહીંયા શાસકો ખોટા રૂપિયા બગાડી રહ્યું છે અને કામ નથી કરતું. શહેરના ઘણાં વિસ્તારોમાં માથાડૂબ ખાડા છે. તેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું અને પ્રજાના પૈસે કોર્પોરેશને ૩ નવી કાર ખરીદવાની જરૂર શું છે? ઉલ્લેખનીય છે કે, આજની બેઠકમાં ૩૯ દરખાસ્તોમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર વિભાગમાંથી કુલ ૩૮ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં ૧ દરખાસ્તને પરત કરવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં નવી ૩ કાર માટે રૂ.૪૭ લાખની રકમને મંજૂરી આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શાસક પક્ષના નેતા, ફાયર ચેરમેન અને ફાયર સુપ્રિટેન્ડન્ટ માટે નવી કાર ખરીદવામાં આવશે. આ મુદ્દે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, અધિકારીઓનું કામ સરળતાથી થઇ શકે એ માટે અમે કારની ખરીદી કરવાના છીએ. તેમાં શાસક પક્ષના નેતાની કાર માટે રૂ.૨૧.૧૨ લાખ, ફાયર ચેરમેનની કાર માટે રૂ.૧૧.૮૧ લાખ અને ફાયર સુપ્રિટેન્ડેન્ટની કાર માટે રૂ.૧૪.૬૪ લાખની રકમની મંજૂરી આપવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution