રાજકોટ, રાજકોટ શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલી મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિ એનો ભોગ બની છે. જ્યાં રાજકોટ શહેરના ભોમેશ્વર વિસ્તારમાં રાહદારી આર્મીમેન નવલસિંહ ઝાલાને નિહાળીને રખડતી ગાય ઉશ્કેરાઈ હતી અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા. આ સમગ્ર બનાવ   કેદ થયો હતો. આ બનાવમાં એક બાળકને પણ ઈજાઓ થઈ છે. ઘટનાને પગલે આર્મીમેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને બ્રેઈન-હેમરેજ થયાનું સામે આવ્યું છે.

એક મહિના પહેલાં રાજકોટના ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્‌સ સ્કૂલની સામે રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા રંગની એક ગાયે અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતાં ગાયે શિંગડાં અને પગ વડે રસિકલાલને ૩ મિનિટ સુધી સતત રગદોળ્યા હતા, આથી તેમને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો હતો. ત્યારે ફરી એક પ્રૌઢ પશુનો ભોગ બનતાં શહેરમાં મનપાની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર ચાર માસ પૂર્વે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને ઢોર પકડવાની કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે વધારાનો પોલીસ-બંદોબસ્ત માગીને તેમજ સ્ટાફ બમણો કરી કામગીરી વધુ તેજ બનાવવા જાહેરાત કરી હતી. આ કામગીરી માંડ એક સપ્તાહ ચાલુ રહી હતી અને હવે ફરીથી ઠંડી પડી ગઈ છે, જેના કારણે રાજકોટ શહેરમાં રઝળતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી જ નથી. પાલિકા સ્ટાફ પર હુમલો કરાયો ત્યારે ઢોર ડબે પુરાયા અને હવે તંત્ર ડબે પુરાઈ જતાં ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે. રાજકોટ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ માટે ૬૦ દિવસમાં તમામનું રજિસ્ટ્રેશન કરવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાેકે આમ છતાં હજુ સુધી નવું એકપણ રજિસ્ટ્રેશન થયું નથી, કારણ કે પશુપાલકો પાસે ઢોરને રાખી શકાય એ મુજબની જગ્યા જ નથી. આ સ્થિતિ આવતાં મનપાએ પૂર્વ તૈયારીના ભાગરૂપે હયાત એનિમલ હોસ્ટેલમાં શેડ બનાવવા અને નવી ૩ એનિમલ હોસ્ટેલ ઊભી કરવા માટે તૈયારી આદરી છે. મનપાની આ વ્યવસ્થા કરવા છતાં પણ રખડતાં ઢોરની સમસ્યા યથાવત્‌ રહી શકે છે. નિયમ મુજબ ઢોરના રજિસ્ટ્રેશન માટે પશુદીઠ ૬૦ ચોરસ ફૂટની માલિકીની જગ્યા હોવી જાેઇએ.નિયમ મુજબ એક પશુ રાખવા માટે ૬૦ ચોરસ ફૂટની જગ્યા જાેઇએ.

ધ્રાંગધ્રામાં રખડતા ઢોરોએ બજારમાં અડીંગો જમાવતા લોકો પરેશાન

ધ્રાંગધ્રામાં છેલ્લા થોડા દિવસથી મુખ્ય બજારમાં અને શેરીઓમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે લોકો પરેશાન થઈ ગયા છે. નગરપાલિકા યોગ્ય પગલા લઈ રખડતા ઢોરને દૂર કરે તેવી લોક માગણી ઊઠી છે. ધ્રાંગધ્રા શહેરમા મુખ્ય બજાર સહીત અલગ અલગ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઢોરનો ત્રાસ વધ્યો છે. ત્યારે લોકો ખરીદી કરવા માટે જતા ડરે છે. બાળકો પણ બહાર નીકળતા ડરે છે, અને વાહન ચાલકોને પણ અવારનવાર અકસ્માતના ભોગ બનવું પડે છે. શહેરની બજાર, ગલીઓમાં મોટા પ્રમાણમાં ઢોરના ટોળા જાેવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની વ્યવસ્થા કરવી જાેઈએ તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે નગરજનોની માગ ઉઠી છે કે, ઢોર મુખ્ય બજાર સહિત શેરી, ગલીઓમાં રસ્તા વચ્ચે મોટા પ્રમાણમાં અડ્ડો જમાવી બેસે છે. રખડતા ઢોરની અવારનવાર લડાઈને લઈને વાહનોને નુકસાન થાય છે.