રાજકોટ, રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ગુનાખોરીનો ગ્રાફ આગળ વધતો જાેવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ શહેરના નાનામવા રોડ પર જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતી ૩૭ વર્ષની મહિલા પર અજિતસિંહ ચાવડા સહિત ૩ શખસે અગાઉ કોર્ટમાં કરેલી બળાત્કારની ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં ખુલ્લી છરી સાથે આતંક મચાવી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે ‘વ્યાજ ન આપું તો વ્યાજખોર વારંવાર બળાત્કાર આચરી વીડિયો ઉતારતો હતો.’ આ મામલે મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે અજિતસિંહ દિલુભા ચાવડા પાસેથી રૂા.૫૦ હજારની રકમ વ્યાજે લીધી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અજિતસિંહના સખત દબાણ અને ધમકી તેમજ અમાનુષી અત્યાચારથી અમે ત્રાસી ગયા હતા. તે બળજબરીથી મારી ઇચ્છા વિરુદ્ધ વ્યાજની રકમ ચૂકવવા પેટે મારા જ ઘરમાં મારી પર દુષ્કર્મ આચરતો હતો અને કહેતો ‘જ્યાં સુધી શરીરસુખ માણવા મળશે ત્યાં સુધી વ્યાજ નહિ દેવું પડે અને મૂળ રકમ પણ કોઈ માગશે નહિ,’ એમ ન કરીએ તો મારા સગીર બાળકોને ઉપાડી જવાની અને મારા પતિને જેલમા ધકેલી દેવાની ધમકી આપતો હતો.